બ્રિટનની આરોગ્ય સ્થિતિને સુધારવા NHS સહિત £૧૦૨ બિલિ. જરુરી

Wednesday 19th May 2021 06:16 EDT
 

લંડનઃ કોરોના વાઈરસ મહામારીના પગલે બ્રિટનની આરોગ્ય સ્થિતિને સુધારવા આગામી દાયકા સુધીમાં ભારે ટેક્સવધારાની મદદ સાથે NHS, સોશિયલ કેર અને જાહેર આરોગ્યની જરુરિયાતો પાછળનો ખર્ચ ૧૦૨ બિલિયન પાઉન્ડ વધારવો પડશે. આટલા જંગી ભંડોળથી કેન્સર અને હૃદયરોગોથી થતાં બિનજરુરી મોત, આરોગ્યની અસમાનતા દૂર કરવા તેમજ કોવિડ મહામારીમાં જોવા મળેલી પથારી અને સ્ટાફની અછત જેવી નબળાઈઓ દૂર કરી શકાશે તેમ નિષ્ણાતોની ટીમે મિનિસ્ટર્સને અનુરોધ કર્યો હતો.

લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ અને લાન્સેટ મેડિકલ જર્નલ દ્વારા ચાર વર્ષના ઈન્ક્વાયરી કમિશને જણાવ્યા મુજબ મોટા ભાગના નાણા ઈન્કમ ટેક્સ, નેશનલ ઈન્સ્યુરન્સ અને VATમાં વધારા થકી મેળવી શકાશે. કમિશનના સંયુકત સંશોધન વડા અને LSEના વડા ડો. માઈકલ એન્ડરસને જણાવ્યું હતું કે સુગઠિત કાર્યવાહી અને વધારાના ભંડોળ વિના યુકે આરોગ્ય અને આયુષ્યવૃદ્ધિ, સેવા પૂરી પાડવામાં ઉણપ, અસમાનતાઓ, ખાનગી ભંડોળ પર વધુ આધાર સહિતના ધોરણોમાં અન્ય ઉચ્ચ આવકના દેશોની સરખામણીએ પાછળ રહી જવાનું તેમજ આરોગ્યલક્ષી ભાવિ આફતોનો સામનો કરવામાં નબળી NHS સામે જોખમ છે.

હેલ્થ સર્વિસના કોવિડ રિસ્પોન્સનું મૂલ્યાંકન પણ ૩૩ હેલ્થ નિષ્ણાતોએ ૧૨૩ પાનાના રિપોર્ટમાં કર્યું છે. તેમણે વર્તમાન  ૧૮૫ બિલિયન પાઉન્ડનો ખર્ચ ૨૦૩૦/૩૧ના દાયકામાં વધારી ૨૮૮ બિલિયન પાઉન્ડ કરવા સલાહ આપી છે. તેમની યોજના હેઠળ યુકેના ચાર દેશમાં NHSનું બજેટ ૧૬૨ બિલિયન પાઉન્ડથી વધી ૨૩૯ બિલિયન પાઉન્ડ થઈ જશે.

તેમની બ્લુપ્રિન્ટમાં ૨૦૨૫/૨૬ સુધીમાં ઈન્કમ ટેક્સ, નેશનલ ઈન્સ્યુરન્સ અને VATમાં ૧ પેન્સ અને આ પછી, ૨૦૩૦/૩૧ સુધીમાં ઈન્કમ ટેક્સ, નેશનલ ઈન્સ્યુરન્સમાં વધુ ૨ પેન્સ તેમજ VATમાં વધુ ૧ પેન્સના તબક્કાવાર વધારાનો સમાવેશ થાય છે. આમ, ૨૦૨૫/૨૬ સુધીમાં વાર્ષિક ૨૫,૦૦૦ પાઉન્ડ કમાતી વ્યક્તિ પ્રતિ સપ્તાહ વધારાના ૬ પાઉન્ડ તેમજ વાર્ષિક ૫૦,૦૦૦ પાઉન્ડ કમાતી વ્યક્તિ વધારાના ૧૫ પાઉન્ડની ચૂકવણી કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter