લંડન: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે જેટ ઇંધણના પુરવઠા પર અસર પડતા સરકારે બ્રિટનની એરલાઇન્સ કંપનીઓને મોટી રાહત આપી છે. ઉનાળાના વેકેશન દરમિયાન મુસાફરોને થનારી છેલ્લી ઘડીની હાલાકી ટાળવા માટે એરલાઇન્સ હવે ફ્લાઇટમાં કાપ મૂકી શકશે અથવા ઓછી ભરાયેલી ફ્લાઇટ્સને એકબીજા સાથે જોડી શકશે.
નવા કાયદા હેઠળ, એરલાઇન્સ તેમના નિર્ધારિત લેન્ડિંગ અને ટેક-ઓફ સ્લોટ ગુમાવ્યા વિના ફ્લાઇટ્સ રદ કરી શકશે. સામાન્ય રીતે, જો એરલાઇન્સ આ સ્લોટનો ઉપયોગ ન કરે તો તેઓ ભવિષ્યમાં તે સ્લોટ ગુમાવી દેતી હોય છે જેના કારણે અત્યાર સુધી ખાલી પ્લેન ઉડાડવાની ફરજ પડતી હતી.
મુસાફરોની સુવિધા માટે, કોઈપણ ફ્લાઇટ રદ કરતા પહેલા ઓછામાં ઓછા બે અઠવાડિયા અગાઉ જાણ કરવી જરૂરી રહેશે. જેથી મુસાફરોને અન્ય ફ્લાઇટ્સમાં ખસેડી શકાય.
ટ્રાન્સપોર્ટ સેક્રેટરી હેઇડી એલેક્ઝાન્ડરે જણાવ્યું હતું કે, હાલમાં પુરવઠાની કોઈ તાત્કાલિક કટોકટી નથી પરંતુ અમે અગમચેતીના ભાગરૂપે આ પગલાં લઈ રહ્યા છીએ જેથી ઉનાળા દરમિયાન એરપોર્ટ પર મુસાફરોને કોઈ અચાનક અવરોધનો સામનો ન કરવો પડે. આ નિર્ણયથી બ્રિટિશ એરવેઝ, વર્જિન એટલાન્ટિક અને ઇઝીજેટ જેવી મોટી કંપનીઓને તેમના શિડ્યુલને વધુ સરળ બનાવવામાં મદદ મળશે.


