લંડનઃ બ્રિટનમાં કેન્સરપીડિત દર્દીઓના જીવનને બદલી નાખતી નવી થેરાપીથી સારવાર લેનારો ભારતીય મૂળનો યુવાન ઠક્કર પ્રથમ દર્દી બન્યો છે. એનએચએસ દ્વારા સ્થાપિત ફંડની સહાયથી સીએઆરટી થેરાપી કેન્સરના અનેક દર્દીઓને રોગમાંથી મુક્તિ આપશે.
નવી થેરાપી મેળવ્યા બાદ યુવાન ઠક્કરે જણાવ્યું હતું કે, હું હવે મારી મનગમતી પ્રવૃત્તિઓ કરી શકું છું. સારવાર બાદ મને નવું જીવન પ્રાપ્ત થયું છે. આ ફાસ્ટ ટ્રેક સારવાર વિના તે શક્ય બન્યું ન હોત. એમ લાગે છે કે અમારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. અમને મદદ કરનાર તમામ ડોક્ટર અને નર્સના અમે ઋણી છીએ.
વોટફોર્ડનો 16 વર્ષીય યુવાન ઠક્કર નવી પદ્ધતિથી સારવાર પ્રાપ્ત કરનારો યુકેનો પ્રથમ કિશોર બન્યો છે. આ સારવારનો ખર્ચ કેન્સર ડ્રગ્સ ફંડમાંથી ફાળવવામાં આવે છે. યુવાને જણાવ્યું હતું કે, આ થેરાપી બાદ મારું જીવન બદલાઇ ગયું છે. અવિશ્વસનીય સારવાર માટે હું લંડનની ગ્રેટ ઓરમોન્ડ સ્ટ્રીટ હોસ્પિટલનો આભાર માનુ છું. મને યાદ છે કે કેન્સરના કારણે મારે લાંબો સમય સ્કૂલથી દૂર રહેવું પડ્યું હતું. હવે હું મારી મનપસંદ વસ્તુઓનો આનંદ માણી શકું છું. સ્નૂકર અને પૂલ રમી શકું છું, મિત્રો અને પરિવારને મળી શકું છું અને શાનદાર વેકેશન પણ માણી શકું છું.
યુવાન ઠક્કરને માત્ર 6 વર્ષની ઊંમરે બ્લડ કેન્સર હોવાનું નિદાન થયું હતું.


