લંડનઃ ભારતીય બેંકોના નાણા લઇ ફરાર બિઝનેસમેન વિજય માલ્યાના પ્રત્યાર્પણ મુદ્દે સુનાવણી વચ્ચે બ્રિટિશ કોર્ટે ભારતીય સત્તાવાળાઓ દ્વારા કરાયેલી બે વધુ પ્રત્યાર્પણ વિનંતીની અરજીઓ તાજેતરમાં નકારી હતી. વેસ્ટમિન્સ્ટર મેજીસ્ટ્રેટ કોર્ટના જજોએ દિલ્હીની તિહાર જેલમાં માનવાધિકારની ખરાબ હાલતને ધ્યાનમાં રાખી ૧૬ ઓકટોબરે યુકેસ્થિત કથિત બુકી સંજીવ કુમાર ચાવલાની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો અને બ્રિટિશ દંપતી જતીન્દર અને આશા રાની અંગુરાલા સામેના કથિત ફ્રોડ કેસને પણ ૧૨ ઓક્ટોબરે કાઢી નાંખ્યો હતો. જજે આ કેસમાં અક્ષમ્ય વિલંબ બદલ સીબીઆઈની આકરી ટીકા કરી હતી.
દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટ કપ્તાન હાન્સી ક્રોનીએને સંડોવતા વર્ષ ૨૦૦૦ના મેચ ફિક્સિંગ કેસના આરોપી ચાવલા સામેનો કેસ ડિસ્ટ્રિકટ જજ રેબેકા ક્રેને દિલ્હીની તિહાર જેલની કથિત ખરાબ હાલત જોતાં માનવીય ધોરણે અરજીને કાઢી નાંખી હતી. જજે કહ્યું હતું કે ચાવલાની સામે મેચ ફિક્સિંગનો કેસ પ્રાથમિક દૃષ્ટિએ મજબૂત લાગે છે પરંતુ, અત્યાચાર, અમાનવીય કે ઉતરતી કક્ષાની સારવાર, જેલના સ્ટાફ કે કેદીઓ દ્વારા હિંસાનો શિકાર બનવાનું જોખમ સહિત ચાવલા સાથે તિહાર જેલમાં તેમના માનવાધિકારનો ભંગ થઇ શકે છે. તેમણે સ્કોટિશ જેલના પૂર્વ મેડિકલ અધિકારી અને લાયસન્સધારી ડોકટર એલન માઇકલના નિષ્ણાત પુરાવા અંગે સંતોષ દર્શાવ્યો હતો.
વિજય માલ્યાનો કેસ સંભાળતા સિનિયર ડિસ્ટ્રિક્ટ જજ એમા આર્બુથ્નોટે બ્રિટિશ જતીન્દર સામેના ફ્રોડ કેસના ચુકાદામાં જણાવ્યું હતું કે છેતરપીંડીના લગભગ ૨૫ વર્ષ પછી તેમને દેશપાર કરવા અન્યાયી ગણાશે. જતીન્દર બેન્ક ઓફ ઈન્ડિયાની જલંધર શાખામાં મેનેજર હતો ત્યારે ૧૯૯૦-૯૩ના ગાળામાં પોતાને જ આશરે ૨૪,૦૦૦ પાઉન્ડની લોન મંજૂર કરી છેતરપીંડી આચર્યાનો આરોપ તેના પર હતો. તેની પત્નીએ કાવતરામાં સાથ આપ્યો હતો. પાછળથી તેણે ગેરરીતિ કબૂલી હતી પરંતુ, તમામ નાણા પરત ચુકવ્યા ન હતા.
ભારત અને યુકે વચ્ચે ૧૯૯૨માં પ્રત્યાર્પણ સંધિ થઈ હતી અને નવેમ્બર ૧૯૯૩માં તે અમલી બની હતી. યુકેની કોર્ટ્સમાં માલ્યા ઉપરાંત, રાજેશ કપૂર, હનીફ ટાઈગર, અતુલ સિંહ, રાજ કુમાર પટેલ અને શાઈક સાદિકની ભારતીય પ્રત્યાર્પણ વિનંતીઓ પડતર છે.