લંડનઃ બ્રિટનના લશ્કરી વડાઓ કોરોના વાઈરસ મહામારીના પગલે બજેટમાં સંભવિત કાપને ધ્યાનમાં રાખી આર્મ્ડ ફોર્સીસના આધુનિકીકરણના ભાગરુપે તમામ ટેન્કોનો ભંગાર તરીકે નિકાલ કરવાની યોજના ઘડી રહ્યા છે. મિનિસ્ટર્સ ૨૨૭ ચેલેન્જર-૨ ટેન્ક્સ અને વોરિયર વાહનોનો નિકાલ કરવા વિચારી રહ્યા છે. આ ડિફેન્સ રીવ્યૂ મુદ્દે નવેમ્બરમાં આખરી નિર્ણય લેવાવાની શક્યતા છે.
યુકેની મુખ્ય બેટલ ટેન્ક ૨૨૭ ચેલેન્જર-૨ ટેન્ક્સ તેમજ ૩૮૮ બખ્તરિયા વોરિયર વાહનોના કાફલાને અપગ્રેડ કરવામાં અતિશય ખર્ચો લાગવાની ગણતરીને ધ્યાનમાં લઈ તેને ભંગારવાડે નાખવાનો વિચારાઈ રહ્યું છે. ચેલેન્જર-૨ બ્રિટિશ આર્મી માટે સંપૂર્ણ યોગ્ય ન હોવાની ટીકા થયેલી છે. ગયા વર્ષે આ ટેન્ક અને વોરિયર બખ્તરિયા વાહનોને જૂનાપુરાણા ગણાવાયા હતા. યુદ્ધનો પ્રકાર બદલાઈ રહ્યો છે ત્યારે ખર્ચકાપ સાથેના લશ્કરી બજેટનો કેવી રીતે યોગ્ય ઉપયોગ કરવો તેના વિશે લશ્કરી દળો સાવધ છે. યુકેએ તેના બખ્તરિયા વાહનોને બાજુએ મૂકી વાયુદળ અને સાયબર વોરફેર પર વધુ ધ્યાન આપવા માગે છે તેમ નાટો સાથીદારોને પણ જણાવી દીધું છે.