જાણીતા અર્થશાસ્ત્રી પદમા દેસાઇનું 91 વર્ષની વયે નિધન
લંડનઃ જાણીતા ઇકોનોમિસ્ટ પદમા દેસાઇનું 91 વર્ષની વયે નિધન થયું છે. તેઓ માનવ ઉત્પાદકતા અને કલ્યાણ પર સંપુર્ણ નિયંત્રણ ધરાવતી સિસ્ટમની અસરો ખૂબ સારી રીતે સમજી શક્યાં હતાં. દેસાઇએ સોવિયેતના નિયંત્રણ હેઠળની ઇકોનોમી અંતર્ગત થતી બેજવાબદાર ફાળવણીઓની ગણતરી કરી હતી. એક ભારતીય મહિલા તરીકે તેમણે તેમના પતિથી છૂટાછેડા લેવા માટે કાયદા સામે લડત પણ ચલાવી હતી. પદમા દેસાઇનો જન્મ ભારતના સુરત ખાતે શાંતા અને કાલિદાસના પરિવારમાં થયો હતો. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ બાદ તેઓ લિટરેચરના પ્રોફેસર બન્યા હતા. 1951માં બોમ્બે યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સનો અભ્યાસ કર્યા બાદ તેમને સ્કોલરશિપ હાંસલ થતાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં વધુ અભ્યાસ કર્યો હતો.
પ્રિન્સ વિલિયમ ઇચ્છે છે કે તેમની તાજપોશી અત્યાધુનિક બની રહે
લંડનઃ બ્રિટિશ રાજાશાહી સતત પરિવર્તનશીલ રહી છે. કિંગ ચાર્લ્સ તૃતિયે ઇતિહાસમાં પહેલીવાર કોરોનેશન પ્રોસેશનનો રૂટ ટૂંકાવ્યો અને મહેમાનોની સંખ્યા પર પણ કાપ મૂક્યો. વિવાદ ન થાય તે માટે તાજપોશીમાંથી કોહિનૂર હીરાની બાદબાકી કરી નંખાઇ. હવે પ્રિન્સ ઓફ વેલ્સ વિલિયમ પણ તેમના જ માર્ગે આગળ વધવા પ્રતિબદ્ધ થઇ રહ્યાં છે. તેઓ ઇચ્છે છે કે તેમની તાજપોશી તેમના પિતાની તાજપોશીથી અલગ પ્રકારની હોય.
પ્રિન્સ વિલિયમના નજીકના સૂત્રે જણાવ્યું છે કે પ્રિન્સ વિલિયમ તેમની તાજપોશીમાં પરંપરાગત તાજપોશીને અનુસરે તેવી કોઇ સંભાવના નથી. તેઓ તેમના પિતાની તાજપોશીની સમીક્ષા કરી રહ્યાં છે અને પૌરાણિક વિધિને કેવી રીતે બદલી શકાય તેના પર વિચારી રહ્યાં છે. તેઓ ઇચ્છે છે કે તેમની તાજપોશી અત્યાધુનિક હોય. ભવિષ્યમાં તેમની તાજપોશી કેવી રીતે વર્તમાન સાથે તાલ મિલાવે તે અંગે તેઓ વિચારી રહ્યાં છે.
આર્ચબિશપ ઓફ કેન્ટરબરીને સ્પીડ લિમિટના ભંગ માટે 510 પાઉન્ડનો દંડ
લંડનઃ કિંગ ચાર્લ્સની તાજપોશીમાં અગ્રીમ ભુમિકા ભજવ્યાના થોડા જ દિવસમાં આર્ચબિશપ ઓફ કેન્ટરબરી જસ્ટિન વેલ્બીને સ્પીડ લિમિટના ભંગ માટે દોષી ઠેરવાયા છે. ઓક્ટોબર 2022માં 67 વર્ષીય વેલ્બી 20 માઇલ પ્રતિ કલાકના ઝોનમાં 25 માઇલ પ્રતિ કલાકની ઝડપથી કાર હંકારતા ઝડપાયા હતા. આર્ચબિશપે તેમનો અપરાધ કબૂલી લેતાં કોર્ટે તેમને 510 પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો. જોકે લેમ્બેથ પેલેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વેલ્બીને તેમનો કેસ કોર્ટમાં ગયો છે તેની જાણ કરાઇ નહોતી. તેમણે 3 વાર દંડ ચૂકવવાનો પ્રયાસ કર્યો હતો. આ માટેના તમામ પુરાવા તેમની પાસે છે. વહીવટી ખામીના કારણે આ સમસ્યા સર્જાઇ છે.


