લંડનઃ યુકે આ ઉનાળામાં કોર્નવોલના ન્યૂક્વે એરપોર્ટ ખાતેથી પ્રથમ સેટેલાઈટ લોન્ચ કરવા સાથે સ્પેસ રેસમાં સામેલ થઈ જશે. બ્રિટિશ ધરતી પરથી પ્રથમ વખત સેટેલાઈટ લોન્ચ કરાશે જેનાથી યુએસ, રશિયા અને ચીન સહિત અન્ય દેશોની સ્પર્ધા કરવાની ક્ષમતાનું પ્રદર્શન થશે.
યુકે દ્વારા આ ઉનાળામાં કોર્નવોલ ખાતેથી શૂબોક્સ સાઈઝના બે ઉપગ્રહ છોડવામાં આવનાર છે. મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની કિટ સાથે સજ્જ ક્યૂબસેટ્સ વર્જિન ઓર્બિટ લોન્ચર વન રોકેટ મારફત અવકાશમાં રવાના કરાશે. એરબસ અને હેમ્પશાયરસ્થિત ઈન-સ્પેસ મિશન્સ દ્વારા ડિઝાઈન કરાયેલા ધ પ્રોમેથીઅસ-2 સેટેલાઈટ્સ 30 સેન્ટિમીટર લંબાઈ, 20 સેન્ટિમીટર પહોળાઈ અને 10 સેન્ટિમીટર ઊંડાઈ ધરાવે છે. આ સેટેલાઈટ્સ ડિફેન્સ મિનિસ્ટ્રીને સંવેદનશીલ અને અત્યાધુનિક ઈમેજિંગ સેન્સર્સ પૂરાં પાડવા સાથે અન્ય દેશોના ઉપગ્રહો પર નજર રાખવા યુકેને સજ્જ બનાવશે. સેટેલાઈટના રોકેટ કોસ્મિક ગર્લ નામ અપાયેલા મોડિફાઈડ બોઈંગ 747 જેટથી સમુદ્રની સપાટીથી 35,000 ફૂટની ઊંચાઈએ લઈ જવાશે અને તેના પે-લોડને 8000 માઈલ પ્રતિ કલાકની ગતિ સાથેની ઓર્બિટમાં ફંગોળાશે.
બ્રિટને અગાઉ સ્પેસ પ્રોગ્રામના ભાગરુપે 1971માં ઓસ્ટ્રેલિયાના વૂમેરા ખાતેથી પોતાના ઉપગ્રહો અવકાશમાં મોકલ્યા છે પરંતુ, યુકેમાંથી કદી સેટેલાઈટ મોકલાયા નથી. પોતાની ધરતી પરથી સેટેલાઈટ લોન્ચ કરવાની ક્ષમતાથી 2020માં 16.5 બિલિયન પાઉન્ડની કુલ કમાણી કરનારી યુકેની સ્પેસ ઈન્ડસ્ટ્રીને વેગ મળશે. યુરોપના કોઈ પણ સ્થળ કરતાં વધુ સેટેલાઈટનું ગ્લાસગોમાં ઉત્પાદન કરવામાં આવે છે.


