લંડન
તાજેતરમાં હાથ ધરાયેલી વસતી ગણતરી અનુસાર ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રહેતા 6 વ્યક્તિ પૈકીનો એક બ્રિટનની બહાર જન્મેલો છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં બ્રિટનની બહાર જન્મેલા લોકોની સંખ્યા 1 કરોડ જેટલી છે. જે 2011ની વસતી ગણતરી પ્રમાણે 75 લાખ હતી. વેલ્સ અને નોર્થ ઇસ્ટમાં ઇમિગ્રન્ટ્સની સંખ્યા સૌથી ઓછી છે જ્યાં દર 14માંથી એક વ્યક્તિ બ્રિટનની બહાર જન્મેલો છે. છેલ્લા એક દાયકામાં બ્રિટનમાં ન જનમ્યા હોય તેવા લોકોની સંખ્યામાં 33 ટકાનો વધારો થયો છે. છેલ્લા 10 વર્ષમાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં થયેલા કુલ વસતી વધારા પૈકી 50થી વધુનો વધારો નેટ પોઝિટિવિ માઇગ્રેશનને કારણે થયો છે.
બ્રિટનની બહાર જન્મેલા આ પ્રકારના વ્યક્તિઓમાં પહેલું સ્થાન ભારતીયોનું છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 9,20,000 ભારતીયો છે જેમનો જન્મ બ્રિટનની બહાર થયો છે. બીજાસ્થાને 7,43,000ની સંખ્યા સાથે પોલેન્ડના નિવાસીઓ અને 6,24,000ની સંખ્યા સાથે પાકિસ્તાનીઓ આવે છે. ત્યારબાદ રોમાનિયા અને ઇટાલીને સ્થાન અપાયું છે. યુરોપિયન સંઘના દેશોમાં જન્મેલા લોકોની સંખ્યા 36 લાખ છે. બ્રિટનની બહાર જન્મેલા દર 10 પૈકીના 4 લોકો છેલ્લા એક દાયકામાં બ્રિટનમાં આવ્યાં હતાં.
બ્રિટનમાં વસતી ગણતરીનો પ્રારંભ 1801માં કરાયો હતો. બીજા વિશ્વયુદ્ધને બાદ કરતાં દર 10 વર્ષે બ્રિટનમાં વસતી ગણતરી કરવામાં આવી છે.
બ્રિટનની બહાર જન્મેલા ટોપ 10 દેશના લોકો
ભારત – પોલેન્ડ – પાકિસ્તાન – રોમાનિયા – આયર્લેન્ડ – ઇટાલી – બાંગ્લાદેશ – નાઇજિરિયા – જર્મની – સાઉથ આફ્રિકા


