બ્રિટનની મુલાકાતે આવતાં સગાં અચાનક ગંભીર બીમારીમાં સપડાય તો.......

મલીહાની માતા બુશરા પાકિસ્તાનથી બ્રિટન મુલાકાતે આવી અને અચાનક સ્ટ્રોક આવતાં સારવાર માટે મલીહાને 30,000 પાઉન્ડનું બિલ એનએચએસ દ્વારા પકડાવી દેવાયું

Tuesday 30th July 2024 12:52 EDT
 
 

લંડનઃ બ્રિટનની મુલાકાતે આવતા બ્રિટિશ નાગરિક ન હોય તેવા પરિવારજન કે આશ્રિત અચાનક કોઇ ગંભીર બીમારીનો ભોગ બને અને તેની પાસે આવશ્યક આરોગ્ય વીમા કવચ ન હોય તો તે પરિવાર માટે કેવું આભ તૂટી પડે તેવો આંખ ઉઘાડનારો એક કિસ્સો સામે આવ્યો છે. રોશડેલના એક પરિવાર પર આવી જ કંઇક મુશ્કેલી આવી પડી છે.

મલીહા નદીમની માતા બુશરા પહેલીવાર પાકિસ્તાનથી બ્રિટનની મુલાકાતે આવ્યા હતા. સપ્ટેમ્બર 2023માં મલીહાની ગ્રેજ્યુએશન સેરેમનીમાં ભાગ લેવા આવેલા 66 વર્ષીય બુશરા તેમના વતન જવા રવાના થાય તેના એક સપ્તાહ પહેલાં સ્ટ્રોકનો ભોગ બનતાં પથારીવશ થઇ ગયાં હતાં. ત્યારબાદ તેમને વધુ એક સ્ટ્રોક આવતાં તેઓ વાચા પણ ગુમાવી બેઠાં હતાં.

બુશરાને સારવાર માટે એનએચએસમાં લઇ જવાયાં હતાં. પરંતુ તેઓ બ્રિટિશ નાગરિક ન હોવાના કારણે મલીહાને હવે 30,000 પાઉન્ડનું બિલ એનએચએસને ચૂકવવાની નોબત આવી છે. અચાનક આવી મુશ્કેલી આવી પડતાં મલીહાને તેમના સમુદાયના લોકો પાસે મદદ માગવી પડી છે.

મલીહાએ જણાવ્યું હતું કે, આ અમારા માટે ગંભીર મુશ્કેલી છે. મારી માતાએ પહેલીવાર દેશ છોડ્યો હતો. તેઓ જીવનમાં ક્યારેય રજાઓ માણવા ગયા નહોતા. મારા ગ્રેજ્યુએશન સમયે મારા માતાને બ્રિટન બોલાવવાની યોજના મેં બનાવી ત્યારે મેં કલ્પના પણ કરી નહોતી કે આવું કંઇ પણ થઇ શકે છે.

મલીહા કહે છે કે મારી માતાની સારવાર માટે મને એક પેનીની પણ મદદ મળી રહી નથી. મેં ઘણી ચેરિટી સંસ્થાઓનો સંપર્ક કર્યો પરંતુ મારી માતા બ્રિટિશ નાગરિક ન હોવાના કારણે મને કોઇ મદદ કરી રહ્યું નથી. ભલે મારી માતા બ્રિટિશ નથી પરંતુ માનવી તો છે ને.....

બુશરાને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ છે અને તે હવે મલીહા, તેના પતિ અને 3 સંતાનો સાથે હેવૂડમાં રહે છે. બુશરાને 24 કલાક એક માણસની જરૂર રહે છે તેથી મલીહાના પરિવાર પર પ્રચંડ દબાણ સર્જાયું છે.

મલીહા કહે છે કે મારી માતા હજુ ખોરાક કે પાણી સારી રીતે લઇ શક્તી નથી. અમારો આખો પરિવાર પાકિસ્તાનમાં છે. મલીહાએ મદદ માટે ગોફંડમી દ્વારા સહાયની અપીલ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter