લંડનઃ યુકેની સરકારે જણાવ્યું છે કે ઇંગ્લેન્ડમાં શાળાઓ રાષ્ટ્રીય અભ્યાસક્રમમાં બદલાવોની યોજના અંતર્ગત કેવી રીતે કટ્ટરવાદીઓની ઓળખ કરવી અને ઉશ્કેરણીજનક બનાવટી ન્યૂઝ ફેલાવતી ઓનલાઇન પોસ્ટની ઓળખ કરવી તે અંગે બાળકોને શિક્ષણ આપી શકશે. એજ્યુકેશન સેક્રેટરી બ્રિજેટ ફિલિપસને જણાવ્યું હતું કે, વિવિધ વિષયોમાં મહત્વના વિચારો સામેલ કરવા પ્રાઇમરી અને સેકન્ડરી શાળાઓમાં અભ્યાસક્રમની સમીક્ષાનો પ્રારંભ કરાશે.
તેમણે જણાવ્યું હતું કે, ઇન્ટરનેટ પર ઉપલબ્ધ સામગ્રીને પડકાર આપવામાં સક્ષમ બનાવવા માટે યુવાઓને જ્ઞાનની સાથે કુશળતા પ્રદાન કરવી મહત્વની છે. આપણા બાળકોને અફવાઓ, બનાવટી ન્યૂઝ અને કાવતરાની થિયરીઓ સામે સજ્જ કરવા અભ્યાસક્રમની સમીક્ષા દ્વારા યોજનાઓ તૈયાર કરાશે.
બનાવટી ન્યૂઝ પારખવા માટે અંગ્રેજીના વર્ગોમાં વિદ્યાર્થીઓ પાસે અખબારોનું એનાલિસિસ કરાવાશે. કોમ્પ્યુટરના વર્ગોમાં તેમને કોઇપણ પોસ્ટનું એનાલિસિસ કરવાની તાલીમ અપાશે. જોકે આ સુધારા લાગુ કરવામાં લાંબો સમય નીકળી શકે છે.

