લંડનઃ બ્રિટનમાં દિવસના પાંચ વિદેશી અપરાધીઓને દેશનિકાલ કરવાના બદલે જેલમુક્ત કરી દેવાય છે. આના પરિણામે, આશરે ૬,૦૦૦ વિદેશી ક્રિમિનલ્સ બ્રિટનની શેરીઓમાં છડેચોક ઘૂમી રહ્યા છે. ઓક્ટોબર અને ડિસેમ્બર ૨૦૧૫ના ગાળામાં ૪૧૬ વિદેશી અપરાધીને જેલમાંથી મુક્ત કરી દેવાયા હતા. બ્રિટનમાં રહેતા ૫,૭૮૯ વિદેશી ગુનેગાર દેશનિકાલ થવાને પાત્ર છે, જેમાંથી લગભગ ત્રીજા ભાગના એટલે કે, ૧,૮૬૫ ગુનેગાર તો પાંચ કરતા વધુ વર્ષથી આઝાદ ફરી રહ્યા છે. મોટા ભાગના અપરાધી વિવાદાસ્પદ માનવ અધિકારોનો ઉપયોગ કરી તેમના ડિપોર્ટેશન આદેશોને પડકારતા રહે છે.
કોમન્સ હોમ એફેર્સ સિલેક્ટ કમીટિ દ્વારા હોમ ઓફિસના ઈમિગ્રેશન ડિરેક્ટોરેટ્સની તપાસ પછી આંકડા જાહેર કરાયા હતા. જેના પગલે સાંસદો અને ક્રિમિનલ જસ્ટિસ નિષ્ણાતોએ વિદેશી ગુનેગારોને હદપાર કરવાની સિસ્ટમ પર કડક નિયંત્રણો રાખવામાં હોમ ઓફિસ તદ્દન નિષ્ફળ ગયાનો આક્ષેપ કર્યો હતો. સિલેક્ટ કમીટિના લેબર ચેરમેન કિથ વાઝે જણાવ્યું હતું કે,‘પાંચ વર્ષ પછી પણ ૧,૮૦૦ અપરાધી અહીં હોવાનું બહાર આવતા જનતામાં ચિંતા ફેલાશે. આ બાબત અસમર્થતા અને બિનકાર્યક્ષમતા દર્શાવે છે.’
૨૦૦૬માં તત્કાલીન લેબર હોમ સેક્રેટરી ચાર્લ્સ ક્લાર્ક ૧,૦૦૦ વિદેશી અપરાધીને દેશનિકાલ કરવામાં નિષ્ફળ રહેતા તેમણે રાજીનામું આપવાની ફરજ પડી હતી. આ પછી પણ સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી. ગયા વર્ષના આખરી ત્રિમાસિક ગાળામાં જેલમુક્ત કરાયેલા ૪૧૬ વિદેશી અપરાધીમાંથી માત્ર છને હદપાર કરાયા હતા અને ૧૪ને બ્રિટનમાં રહેવાની છૂટ અપાઈ હતી. ઘણાએ વિવાદિત માનવ અધિકાર અથવા એસાઈલમ કાયદા હેઠળ હદપારીને પડકારી હતી, જ્યારે ઘણાં અપરાધી પાસે ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ ન હોવાથી તત્કાળ હદપાર કરી શકાયા ન હતા.


