બ્રિટનની સૌથી નાની વયની માતાઃ ૧૧મા વર્ષે બાળકને જન્મ આપ્યો

Saturday 03rd July 2021 07:50 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં માત્ર ૧૧ વર્ષની છોકરીએ જૂન મહિનામાં બાળકને જન્મ આપીને સૌથી યુવા વયે માતા બનવાનો વિક્રમ કર્યો છે. તે ૧૦ વર્ષની હતી ત્યારે સગર્ભા બની હતી. ૩૦મા સપ્તાહે તેને પ્રસૂતિની વેદના ઉપડી ત્યાં સુધી તેના પરિવારને પ્રેગનન્સી વિશે જાણકારી ન હતી.
પારિવારિક સૂત્રના પરિવાર માટે આ મોટા આંચકાસમાન ઘટના છે. માતાને નિષ્ણાતો મદદરૂપ બન્યા હતા અને માતા તથા નવજાત બાળક સ્વસ્થ છે. પરિવારને જાણ ન થઈ તે બાબત ચિંતાજનક હોવાનું પણ સૂત્રે જણાવ્યું હતું. સોશિયલ સર્વિસીસ વિભાગ અને કાઉન્સિલ દ્વારા આ મુદ્દે તપાસ થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં અત્યાર સુધીમાં સૌથી નાની વયે માતા બનવાનો વિક્રમ ટ્રેસા મિડલટનના નામે હતો, જે ૨૦૦૬માં ૧૨ વર્ષની વયે માતા બની હતી. તેના ૧૬ વર્ષીય ભાઈ દ્વારા બળાત્કારના પરિણામે ટ્રેસા ૧૧ વર્ષની વયે સગર્ભા બની હતી. તેના બાળકને સોશિયલ કેર હસ્તક લેવાયું હતું અને તેના ભાઈને જેલની સજા થઈ હતી. બાથગેટ, વેસ્ટ લોથિયાનની મિડલટનને તેના ફિઆન્સે થકી બીજું બાળક પણ છે. જોકે, તેણે પોતાના પ્રથમ બાળકની હેન્ડ પ્રિન્ટ્સ, બાળવસ્ત્રો અને વાળના ગુચ્છા સહિતની મેમેન્ટોસ સાચવી રાખેલ છે.
બ્રિટનમાં સૌથી નાની વયના માતાપિતા ગણાયેલા કિસ્સામાં ૧૨ વર્ષની માતાએ ૧૩ વર્ષના પિતા થકી ૨૦૧૪માં એક બાળકને જન્મ આપ્યો હતો. ૨૦૧૭માં પણ એક છોકરી ૧૧ વર્ષે જન્મ આપવાની હોવાના અહેવાલો આવ્યા હતા પરંતુ, પછી કોઈ વિગતો બહાર આવી ન હતી. સામાન્યપણે છોકરીઓ પ્રજનનને યોગ્ય બનવા લાગે તેની શરૂઆત સરેરાશ ૧૧ વર્ષે થાય છે પરંતુ, ૮થી ૧૪ વર્ષની વચ્ચે ગમે ત્યારે તેની શરૂઆત થઈ શકે છે. ડેનમાર્કમાં કરાયેલાં એક સંશોધન અનુસાર ૧૯૭૦ના દાયકાની સરખામણીએ હવે છોકરીઓ એક વર્ષ વહેલી પ્રજનનક્ષમતા પ્રાપ્ત કરવા લાગે છે. આના કારણોમાં હોર્મોન્સના ઉત્પાદનને અસર કરતા ઊંચા બોડી માસ ઈન્ડેક્સ (BMI) તેમજ એન્ડેક્રાઈન સિસ્ટમને ખોરવી નાખે તેવા પર્યાવરણીય કેમિકલ્સ મુખ્ય ગણાય છે.
દર ૨,૫૦૦ સગર્ભા મહિલામાંથી એકને તે સગર્ભા હોવાની જાણકારી હોતી નથી અથવા તો તે પરિવાર અને મિત્રોથી સગર્ભાવસ્થાને છુપાવે છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૨૦૧૮માં ૧૮થી ઓછી વયની ૧૫,૬૪૪ છોકરીએ ગર્ભ ધારણ કર્યો હતો જેનું પ્રમાણ દર ૧૦૦૦ છોકરીએ ૧૭ ગર્ભધારણનું થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter