લંડન: ઈરાન દ્વારા બંધ કરવામાં આવેલી હોર્મુઝની સામુદ્રધુની ફરી શરૂ કરાવવા માટે બ્રિટને આયોજિત કરેલી બેઠકમાં ભારત સહિત 40 કરતાં વધુ દેશના પ્રતનિધિએ ભાગ લીધો હતો. બ્રિટન અને તેના સાથી દેશ હવે ઈરાન પર આર્થિક પ્રતિબંધો દ્વારા દબાણ લાવવાની વ્યૂહરચના અપનાવી રહ્યાં છે. બ્રિટિશ ફોરેન સેક્રેટરી ય્વેટ કૂપરે બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે બેઠક બાદ માહિતી આપતા જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટેના વિકલ્પો ચકાસવામાં આવી રહ્યા છે.
ગુરુવારે યોજાયેલી એક મહત્ત્વપૂર્ણ વર્ચ્યુઅલનો મુખ્ય ઉદ્દેશ્ય ગલ્ફ શિપિંગ ચેનલમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક સક્ષમ ગઠબંધન તૈયાર કરવાનો છે. નોંધનીય છે કે આ મંત્રણામાં અમેરિકા સામેલ થયું નહોતું.
કૂપરે ઈરાનની ટીકા કરતા જણાવ્યું હતું કે, ઈરાને આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટને હાઈજેક કરીને વૈશ્વિક અર્થતંત્રને બંધક બનાવ્યું છે. હોર્મુઝની સામુદ્રધુની બંધ થવી એ વૈશ્વિક સમૃદ્ધિ માટે સીધો ખતરો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ માર્ગ ગલ્ફ દેશોના વેપાર, એશિયામાં ઊર્જાની નિકાસ અને આફ્રિકામાં ખેતી માટે ખાતરના પુરવઠા માટે અત્યંત મહત્વનો છે.
બેઠક દરમિયાન હાજર રહેલા દેશોએ લશ્કરી કાર્યવાહીના બદલે રાજદ્વારી અને આર્થિક પગલાંઓ પર ભાર મૂક્યો હતો. કૂપરે સ્પષ્ટ કર્યું હતું કે, યુનાઈટેડ નેશન્સ દ્વારા ઈરાન પર દબાણ વધારવામાં આવશે. જો સામુદ્રધુની બંધ રહેશે તો ઈરાન પર આકરા આર્થિક પ્રતિબંધો લાદવામાં આવશે. ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન સાથે મળીને ફસાયેલા જહાજોને મુક્ત કરાવવા પ્રયાસો થશે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકાઓનો જવાબ આપતાં કૂપરે સ્પષ્ટતા કરી હતી કે બ્રિટન પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે, અમારા નિર્ણયો અન્ય કોઈ દેશની પ્રાથમિકતા કે અમેરિકાના દબાણ હેઠળ લેવામાં આવ્યા નથી.
બેઠકના આગલા દિવસે વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, બેઠકમાં ભાગ લેવા તૈયાર થયેલા દેશો હોર્મુઝની સામુદ્રધુનીને ખુલ્લી કરવાના પ્રયાસોમાં યોગદાન આપવા તૈયાર છે.
ભારત તરફથી વિદેશ સચિવ વિક્રમ મિસરી બેઠકમાં હાજર રહ્યાં
યુકે દ્વારા આયોજિત વર્ચ્યુઅલ બેઠકમાં નવી દિલ્હીથી ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી હાજર રહ્યાં હતાં. તેમણે હોર્મુઝમાં આંતરરાષ્ટ્રીય જળમાર્ગોની સુરક્ષા પર નવી દિલ્હીના વલણને સ્પષ્ટ કર્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ભારતને લાગે વળગે છે ત્યાં સુધી અમે મુક્ત કોમર્શિયલ શીપિંગની તરફેણ કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે મેરીટાઇમ સિક્યુરિટી જળવાવી જોઇએ. પ્રાથમિકતાના ધોરણે હોર્મુઝની સામુદ્રીધુનીમાં જહાજો સુરક્ષિત રીતે પસાર થવા જોઇએ.


