બ્રિટનની ‘કૃત્રિમ સૂર્ય’ સિદ્ધિ

Wednesday 16th February 2022 06:36 EST
 
 

લંડનઃ બ્રિટનના ‘આર્ટિફિશિયલ સન’ જોઈન્ટ યુરોપિયન ટોરસ (JET) ન્યુક્લીઅર ફ્યુઝન રીએક્ટરે પાંચ સેકન્ડ સુધી ૫૯ મેગાજુલ્સ એટલે કે ૧૧ મેગાવોટ્સથી વધુ એનર્જી રીલીઝ કરીને નવો વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો છે. આ સાથે વિશ્વે ‘અમર્યાદિત સ્વચ્છ ઊર્જા’ તરફ આગેકદમ માંડ્યા છે. કૃત્રિમ સૂર્ય ટેકનિકથી પૃથ્વી પર સ્વચ્છ અને સસ્તી ઊર્જાનો માર્ગ મોકળો બનશે. આ ટેકનિકથી પૃથ્વી પર નાના સૂર્ય તૈયાર કરી શકાશે. ઓક્સફર્ડ નજીક કલ્હામમાં ૧૯૭૮માં સ્થાપિત JET રીએક્ટરે ૨૫ વર્ષ અગાઉ પણ ફ્યુઝન એનર્જીનો વિક્રમ બનાવ્યો હતો.

બ્રિટિશ વિજ્ઞાનીઓએ પ્રેક્ટિકલ ન્યુક્લીઅર ફ્યૂઝનની શોધની દિશામાં મોટી સફળતા હાંસલ કરી છે. કલ્હામ સેન્ટર ફોર ફ્યૂઝન એનર્જીમાં જ જેટ લેબોરેટરીમાં વિશ્વનું સૌથી વધુ શક્તિશાળી ‘ ટોકામક’ મશીન છે. યુકે એટમિક એનર્જી ઓથોરિટીના દાવા મુજબ ગત ૨૧ ડિસેમ્બરે મધ્ય ઇંગ્લેન્ડમાં ઓક્સફોર્ડની પાસે જોઈન્ટ યુરોપિયન ટોરસ (જેટ) લેબમાં કરાયેલા પ્રયોગમાં આ રીએક્ટરથી ૫૯ મેગાજુલ્સ ઊર્જાનું ઉત્સર્જન થયું હતું.

આટલી અપાર ઊર્જાનું ઉત્સર્જન કરવા માટે ૧૪ કિલો ટીએનટીનો ઉપયોગ કરવો પડે છે. આ રીએક્ટરથી ૧૯૯૭ના વિશ્વ રેકોર્ડથી પણ બમણી ઊર્જા ઉત્પન્ન કરવામાં સફળતા મળી હતી. આ ઘણી શક્તિશાળી ઊર્જા નથી અને પાણીની ૬૦ કીટલીને ઉકાળી શકાય તેમ છે. ૨૫ વર્ષ અગાઉ, જેટ દ્વારા ૨૨ મેગાજુલ્સનું કુલ એનર્જી અથવા સરેરાશ પાંચ સેકન્ડ માટે ૪.૪ મેગાવોટ પાવરનું ઉત્પાદન થાય તેટલી એનર્જી ઉત્પન્ન કરાઈ હતી.

જેટ ન્યુક્લીઅર ફ્યુઝન રીએક્ટર દ્વારા પ્લાઝમાના કેન્દ્રમાં ઉત્પન્ન થયેલું તાપમાન ૨૭૦ મિલિયન °F (૧૫૦ મિલિયન°C) હતુ જે ૨૦ સેકન્ડ સુધી રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ચીનના હેફેઈના ન્યુક્લીઅર ફ્યુઝન રીએક્ટરે પણ વિશ્વવિક્રમ સ્થાપ્યો છે જેમાં ૧૦૫૬ સેકન્ડ એટલે કે ૧૭ મિનિટથી વધુ સમય માટે ૧૨૬ મિલિયન °F (૭૦ મિલિયન°C) તાપમાન હાંસલ થયું હતું જેમાં સર્વોચ્ચ તાપમાન સૂર્યની ગરમીથી ૧૦ ગણુ અથવા તો ૨૮૮ મિલિયન °F (૧૬૦ મિલિયન°C) હતું.

વિશ્વમાં વીજળીની માગ અને ખપત સતત વધી રહી છે અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે ત્યારે ફ્યુઝન અપાર શક્તિનો સ્રોત ગણાય છે. ફ્યુઝનથી જ સૂર્યમાં શક્તિ પેદા થાય છે જે આશરે ૨૭ મિલિયન °F (૧૫ મિલિયન°C)ની ગરમી સાથે સતત ઉકળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter