લંડનઃ કોવિડ -૧૯ મહામારીને લીધે અર્થતંત્ર ખોરવાઈ જતાં બ્રિટન આવક વૃદ્ધિનો રેકર્ડ રાખવાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીના સૌથી ખરાબ સમયગાળા ભણી આગળ વધી રહ્યું છે. સરકાર જે આર્થિક સહાય પૂરી પાડી રહી છે તેમાં સુધારો કરવા માટે સરકાર દબાણ હેઠળ છે. આ સંજોગોમાં જણાયું છે કે હાલની સંસદના ૨૦૧૯થી ૨૦૨૪ના અપેક્ષિત સમયગાળામાં પરિવારની આવકમાં માત્ર ૨૨૦ પાઉન્ડનો એટલે કે માત્ર એક ટકાનો વધારો થશે.
સત્તાવાર આંકડાના આધારે રિઝોલ્યુશન ફાઉન્ડેશન થીંક ટેંક દ્વારા કરાયેલા વિશ્લેષણમાં મહામારીને લીધે થયેલું આર્થિક નુક્સાન કેટલાં પરિવારોની નાણાંકીય વ્યવસ્થાનો ભોગ લેશે તેના પર ભાર મૂકાયો હતો. તેના તારણમાં જણાયું કે ૧૯૫૫ પછી ઈન્કમ ગ્રોથ એટલે કે આવક વૃદ્ધિની બાબતે આ બીજી સૌથી ખરાબ પાર્લામેન્ટ હશે. ૧૯૫૫માં રેકર્ડ રાખવાની શરૂઆત થઈ હતી.
માત્ર ૨૦૧૫-૧૭ની સંસદનો રેકર્ડ ખરાબ રહ્યો હતો. તે વખતે આવકમાં વર્ષ દીઠ ૦.૧ ટકાનો વાસ્તવિક ઘટાડો થયો હતો.
ફાઉન્ડેશન દ્વારા જણાવાયું હતું કે ૨૦૨૧ના મધ્યમાં બેરોજગારીનો આંક પણ ૨.૬ મિલિયનની ટોચ પર પહોંચશે અને મહામારી પૂરી થયા પછી પણ તે લાંબા સમય સુધી વધારે જ રહેશે. તેમાં ચેતવણી અપાઈ હતી કે એપ્રિલમાં યુનિવર્સલ ક્રેડિટ અને ટેક્સ ક્રેડિટમાં કાપ મૂકવાની યોજનાથી લગભગ ૬ મિલિયન પરિવારોને દર વર્ષે ૧૦૦૦ પાઉન્ડથી વધારેનું નુક્સાન થશે. ઘણા ટોરી સાંસદોને ચાન્સેલર રિશિ સુનાક કાપને રદ કરશે તેવી આશા હતી. પરંતુ, તાજેતરમાં કરાયેલા પબ્લિક સ્પેન્ડિંગના રિવ્યૂમાં તેમણે તે રદ કર્યો ન હતો.