બ્રિટનનું અર્થતંત્ર મંદીના ભરડામાં, સતત બીજા ત્રિમાસિકમાં જીડીપીમાં 0.2 ટકાનો ઘટાડો

દેશ માટે આગામી સમય અત્યંત કપરો બની રહેશે, સરકાર પાસે અત્યંત ઓછા વિકલ્પ – ચાન્સેલર જેરેમી હન્ટ

Wednesday 16th November 2022 04:33 EST
 
 

લંડન

બ્રિટન મહામંદીમાં સપડાઇ રહ્યો છે. તાજેતરમાં જારી કરાયેલા આંકડા અનુસાર જુલાઇથી સપ્ટેમ્બર મહિનામાં દેશના જીડીપીમાં 0.2 ટકાનો ઘટાડો નોંધાયો છે.  વેપાર ધંધા અને પરિવારો મોંઘવારીથી ત્રસ્ત છે ત્યારે આ વર્ષના અંત સુધીમાં મંદી વ્યાપક બનવાની સંભાવના છે. જો કોઇ દેશના જીડીપીમાં સતત બે ત્રિમાસિક સુધી ઘટાડો થાય તો તે દેશ મંદીમાં સપડાયો હોવાનું માનવામાં આવે છે. માલસામાનની આસમાને પહોંચેલી કિંમતોના કારણે ઘણા પરિવારો ખર્ચમાં કાપ મૂકી રહ્યાં હોવાથી અર્થતંત્રમાં મંદી ઘેરી બની રહી છે. મંદીમાં કંપનીઓનો નફો ઘટી જાય છે અને તેના કારણે બેરોજગારીમાં વધારો થાય છે. કોલેજોમાંથી તાજા સ્નાતક થઇને બહાર આવેલા વિદ્યાર્થીઓને પહેલી નોકરી હાંસલ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મંદીના કારણે સરકારની કરવેરાની આવકમાં ઘટાડો થાય છે જેની સીધી અસર આરોગ્ય અને શિક્ષણ જેવી સરકારી સેવાઓ પર વર્તાય છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડનો અંદાજ છે કે દેશમાં 1920ના દાયકા પછીની સૌથી લાંબી મંદીનો પ્રારંભ થઇ ચૂક્યો છે. બેરોજગારીનો દર બમણો થવાની સંભાવના છે. છેલ્લા 3 મહિનામાં મૂડીરોકાણમાં મોટો ઘટાડો નોંધાયો છે.

સરકાર અત્યંત ગરીબને સંરક્ષણ આપશે – જેરેમી હન્ટ

ચાન્સેલર જેરેમી હન્ટે ચેતવણી આપી છે કે દેશ માટે આગામી સમય કપરો બની રહેશે. જીડીપીમાં 0.2 ટકાના ઘટાડા બાદ સરકાર વધુ નુકસાન થતું અટકાવવાના પ્રયાસ કરી રહી છે. 17મી નવેમ્બરે રજૂ થનારું ઓટોમન સ્ટેટમેન્ટ મંદીને હળવી બનાવવાનો પ્રયાસ કરશે. જીડીપીના આંકડા દર્શાવે છે કે ફુગાવાના દરને નીચો લાવવો અત્યંત આવશ્યક છે. પરંતુ મારી પાસે બહુ ઓછા વિકલ્પ છે. જીડીપીમાં થઇ રહેલો ઘટાડો પબ્લિક ફાઇનાન્સ પર દબાણ વધારી રહ્યો છે. મંદીની જડમાં વધી રહેલો ફુગાવો છે અને તેને નિયંત્રણમાં લેવા સરકારે પ્રયાસ કરવાની જરૂર છે. સરકારની આગામી યોજના સમાજના અત્યંત ગરીબને સંરક્ષણ આપશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter