બ્રિટનનું અવનવું

Tuesday 27th August 2024 12:03 EDT
 
 

.. અને બકિંગહામ પેલેસનો કિંગનો ગાર્ડ લપસી પડ્યો....

લંડનઃ બકિંગહામ પેલેસ ખાતે કિંગનો એક ગાર્ડ લપસી પડ્યાનો વીડિયો ઘણો વાઇરલ થયો હતો. લીવરપુલના રેડિયોગ્રાફર એન્થની સ્મિથે આ વીડિયો રેકોર્ડ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, હું તો સામાન્ય રીતે જ વીડિયો ઉતારી રહ્યો હતો તેવામાં આ ગાર્ડ લપસી પડ્યો હતો.

1903માં પોસ્ટ કરાયેલું પોસ્ટ કાર્ડ 121 વર્ષ બાદ મંઝિલ પર પહોંચ્યું

લંડનઃ 1903માં પોસ્ટ કરાયેલું પોસ્ટ કાર્ડ આખરે 121 વર્ષ બાદ તેની મંઝિલ પર પહોંચી ગયું હતું. ગયા સપ્તાહમાં ક્રિસમસ સંદેશા પર આધારિત કાર્ડ સ્વાનસી બિલ્ડિંગ સોસાયટીની ક્રેડોક બ્રાન્ચમાં ડિલિવર કરાયું હતું. રોયલ મેઇલના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, અમને આશા છે કે અગાઉ આ સ્થળે રહેતા મિસ લિડિયા ડેવિસના સગાંને શોધી કાઢવાની અમને આશા છે. તેના દ્વારા આ પરિવાર એક પણ થઇ શકે છે. રોયલ મેઇલે જણાવ્યું હતું કે, એક સદી કરતાં વધુ સમય સુધી ગૂમ ગણાતો આ પત્ર સિસ્ટમમાં પરત આવી ગયો હતો. આ પોસ્ટકાર્ડ એવર્ટ નામની વ્યક્તિએ લખ્યો હતો અને તેમાં માફીની માગ કરી હતી.

ટ્રી એવોર્ડ માટે 12 ઓકના વૃક્ષ પસંદ કરાયાં

લંડનઃ વાર્ષિક વૃક્ષ પુરસ્કાર માટે યુકેમાં આવેલા એક ડઝન જેટલાં પૌરાણિક ઓકના વૃક્ષો અલગ તારવવામાં આવ્યાં છે. આ માટે 11 વૃક્ષની પસંદગી પુરસ્કાર આપનારી સંસ્થા દ્વારા અને 1 વૃક્ષની પસંદગી જનતા દ્વારા કરાઇ હતી. આ વૃક્ષો 500થી 1200 વર્ષ જૂના મનાય છે. ભારતમાં પણ ગુજરાતના ભરૂચ જિલ્લામાં શુકલતીર્થ નજીક નર્મદા નદીના ટાપુ પર કબીર વડ આવેલો છે. કબીર વડ 15મી સદીના સંત કબીર સાથે સંકળાયેલો છે. ઓકના વૃક્ષ 1500 વર્ષ સુધી જીવંત રહી શકે છે. યુકેમાં બાકીના યુરોપ કરતાં સૌથી વધુ ઓકના વૃક્ષ આવેલાં છે. તસવીરમાં સ્પર્ધા માટે પસંદ કરાયેલું લિન્કનશાયરમાં આવેલું 1000 વર્ષ જૂનુ ઓકનું વૃક્ષ દ્રશ્યમાન થાય છે.

102 વર્ષીય મેનેટ બેઇલી સ્કાય ડાઇવ કરનાર સૌથી વૃદ્ધ બ્રિટિશ

લંડનઃ બેનહોલ ગ્રીનના નિવાસી 102 વર્ષીય મેનેટ બેઇલી બ્રિટનમાં સ્કાયડાઇવ કરનારા સૌથી વૃદ્ધ વ્યક્તિ બન્યાં છે. તેમણે 2100 મીટર કરતાં ઊંચેથી વિમાનમાંથી સ્કાય ડાઇવનું સાહસ કર્યું હતું. સહાયકની મદદથી સ્કાય ડાઇવ કરનાર બેઇલી રોમાંચિત હોવાની સાથે ભયભીત પણ હતાં. તેમણે શરૂઆતમાં તો પોતાની આંખો મીંચી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, 80 અને 90 વર્ષ પાર કરી ચૂકેલા લોકો પણ તેમના સ્વપ્ન સાકાર કરવા મારી જેમ આગળ વધશે.

બેઇલી સાહસિક મહિલા છે. આ કોઇ તેમનું પ્રથમ કારનામું નહોતું. 100મા જન્મદિવસે તેમણે સિલ્વરસ્ટોન મોટર રેસિંગ સરકિટમાં ફેરારી કાર 210 કિમીની ઝડપે હંકારી હતી.

તુલિપ સિદ્દિકીના બાંગ્લાદેશ સ્થિત હોલી ડે હોમમાં તોડફોડ અને લૂટફાટ

લંડનઃ બાંગ્લાદેશમાં સત્તાવિમુખ કરાયેલા શેખ હસીનાની બહેન શેખ રેહાનાની દીકરી અને યુકેની સિટી મિનિસ્ટર તુલિપ સિદ્દિકીના બાંગ્લાદેશ સ્થિત હોલીડે હોમમાં તોડફોડ અને લૂટફાટ કરાઇ હતી. કનૈયા ગામમાં આવેલી આ પ્રોપર્ટી તુલિપ સિદ્દિકીના પિતાની માલિકીની છે. બાંગ્લાદેશી મીડિયાના અહેવાલો અનુસાર સિદ્દિકીનો પરિવાર અત્યાર સુધી આ પ્રોપર્ટીનો ઉપયોગ કરી રહ્યો હતો. તુલિપે 2019માં આ સ્થળની મુલાકાત લીધી હતી. બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી 20 માઇલ દૂર ઉત્તરમાં આવેલી આ પ્રોપર્ટીમાં વિશાળ મકાન સહિત બાગ બગીચા આવેલા છે. તોફાનીઓ દ્વારા સમગ્ર પ્રોપર્ટીમાં તોડફોડ કરીને લૂટફાટ કરાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter