લંડનઃ ગયા વર્ષે બ્રિટનના ૧૬૧ બિલિયન પાઉન્ડના જંગી વેલ્ફેર બિલનો સૌથી મોટો હિસ્સો મર્સીસાઈડના નોસ્લે વિસ્તારને મળ્યો છે, જ્યાં દરેક પુખ્ત વ્યક્તિ આશરે વાર્ષિક ૧૯૦૦ પાઉન્ડ બેનિફિટ્સ તરીકે મેળવે છે. ગયા વર્ષે આ વિસ્તારને સૌથી વધુ ૧૪૯.૮ મિલિયન પાઉન્ડના નાણાકીય લાભ મળ્યાં હતાં, જે દેશમા બાકીના વિસ્તારોની સરખામણીએ છ ગણા વધુ છે. આની સામે નોર્થ ઈસ્ટ હેમ્પશાયરને માત્ર ૨૭.૧ મિલિયન પાઉન્ડ મળ્યા હતા. ગત વર્ષનું બેનિફિટ્સ બિલ અગાઉના બે વર્ષની સરખામણીએ ૩ ટકા વધ્યું છે.
બેનિફિટ્સ કેપિટલ તરીકે ઓળખાયેલા મર્સીસાઈડના નોસ્લેની વસ્તી આશરે ૮૦,૦૦૦ની છે. એટલે કે વ્યક્તિદીઠ ૧૯૦૦ પાઉન્ડ બેનિફિટ્સ તરીકે અપાય છે. નોર્થ ઈસ્ટ હેમ્પશાયરમાં વ્યક્તિદીઠ માત્ર ૩૫૦ પાઉન્ડ બેનિફિટ્સ તરીકે મળે છે. સૌથી વધુ બેનિફિટ્સ મેળવનારી ૧૦ ઈંગ્લિશ કન્સ્ટિટ્યુઅન્સીઝમાં છ તો મર્સીસાઈડમાં છે, જ્યારે બે માન્ચેસ્ટરમાં અને એક-એક બર્મિંગહામ અને લીડ્ઝમાં છે. આ તમામ મતક્ષેત્ર લેબર પાર્ટીના કિલ્લા જેવા છે. બેનિફિટ્સના આંકડામાં જોબસીકર્સ એલાવન્સ, એપ્લોયમેન્ટ એન્ડ સપોર્ટ એલાવન્સ, ઈનકેપિસિટી બેનિફિટ, કેરર્સ એલાવન્સ, ડિસેબિલિટી લિવિંગ એલાવન્સ અને એટેન્ડન્સ એલાવન્સનો સમાવેશ થાય છે. જોકે, તેમાં પેન્શન્સ, ચાઈલ્ડ અથવા હાઉસિંગ બેનિફિટ્સનો સમાવેશ થતો નથી.
સૌથી વધુ બેનિફિટ્સ સાથે પાંચ વિસ્તારોમાં નોસ્લે પછી લિવરપૂલ, વોલ્ડન (૧૪૧.૪ મિલિ.પાઉન્ડ), બ્લેકલી એન્ડ બ્રાઉટન (૧૨૯.૩ મિલિ.પાઉન્ડ), બૂટલ, મર્સીસાઈડ (૧૨૬.૧ મિલિ.પાઉન્ડ) અને માન્ચેસ્ટર (૧૨૫ મિલિ.પાઉન્ડ) આવે છે, જ્યારે સૌથી ઓછાં બેનિફિટ્સમાં નોર્થ ઈસ્ટ હેમ્પશાયર પછી કેનિલવર્થ એન્ડ સાઉધામ (૨૭.૯ મિલિ.પાઉન્ડ), વિમ્બલડન (૨૮.૨ મિલિ.પાઉન્ડ), વોકિંગહામ (૨૯.૩ મિલિ.પાઉન્ડ) અને ચેશામ એન્ડ એમેર્શામ (૨૯.૬ મિલિ.પાઉન્ડ)નો ક્રમ આવે છે.

