બ્રિટનનું નાસ્તિકતા તરફ પ્રયાણ, ખ્રિસ્તી ધર્મના વળતા પાણી??

એક દાયકામાં ખ્રિસ્તી અનુયાયીઓની સંખ્યામાં 13 ટકાનો તોતિંગ ઘટાડો, નાસ્તિકોની સંખ્યા 12 ટકાના વધારા સાથે કુલ વસતીના 37.2 ટકા પર પહોંચી

Wednesday 07th December 2022 05:31 EST
 
 

લંડન

ખ્રિસ્તી ધર્મને રાજધર્મ તરીકે અપનાવનારા બ્રિટનમાં ઇતિહાસમાં પહેલીવાર ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની સંખ્યા કુલ વસતીના 50 ટકાથી નીચે ચાલી ગઇ છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 46.2 ટકા લોકો ખ્રિસ્તી ધર્મને અનુસરી રહ્યાં છે જે 2011ની વસતી ગણતરી પ્રમાણેની ખ્રિસ્તી વસતીમાં 13.1 ટકાનો ઘટાડો દર્શાવે છે. સવાલ એ છે કે શું બ્રિટનમાં ખ્રિસ્તી ધર્મના વળતાં પાણી થઇ રહ્યાં છે? કે પછી ધર્મમાં આસ્થા ધરાવતા લોકોની સંખ્યામાં જ ઘટાડો થઇ રહ્યો છે? 2021માં થયેલી વસતી ગણતરીમાં પોતે કોઇ ધર્મને નહીં અનુસરતા હોવાનું કહેનારા લોકોની સંખ્યામાં 12 ટકા જેટલો તોતિંગ વધારો થયો છે. 2011 પછીના એક દાયકામાં બ્રિટનમાં કોઇપણ ધર્મમાં આસ્થા નહીં ધરાવતા લોકોની સંખ્યા 12 ટકા વધીને કુલ વસતીના 37.2 ટકા પર પહોંચી ગઇ છે. તેનો અર્થ એ થયો કે બ્રિટનમાં નાસ્તિકોની સંખ્યા કુલ વસતીના 37.2 ટકા છે.  21મી સદીના પ્રારંભથી બ્રિટનમાં નાસ્તિકોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. આગામી એક દાયકામાં બ્રિટન નાસ્તિક બહુલ દેશ બની જાય તો નવાઇ નહીં. એમ પણ કહી શકાય કે બ્રિટન હવે વિશ્વના સૌથી ઓછા ધાર્મિક દેશોમાં સામેલ થઇ રહ્યો છે.  છેલ્લી એક સદીથી બ્રિટનમાં ધર્મ પ્રત્યેની નીરસતા પ્રસરી રહી હતી પરંતુ તાજેતરના કેટલાક વર્ષોમાં આ નીરસતા વ્યાપક બની હતી.

બ્રિટનનું બંધારણ અને કાયદા ખ્રિસ્તી ધર્મના મૂલ્યો અને સિદ્ધાંતો પર સ્થાપિત છે. બ્રિટનનો રાજધર્મ પણ ખ્રિસ્તી છે અને બ્રિટનના રાજવી દેશમાં ખ્રિસ્તી ધર્મનું નેતૃત્વ કરી રહ્યાં છે. દેશમાં બહુમતી લોકો ધર્મમાં માનતા જ નથી અને નાસ્તિકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો  છે ત્યારે શું ધર્મએ જાહેર સંસ્થાનો, શિક્ષણ પ્રણાલિ, ન્યાય પ્રણાલિ અને નૈતિકતા નક્કી કરવામાં ભુમિકા ભજવવી જોઇએ? ચર્ચ ઓફ ઇંગ્લેન્ડની સભ્ય સંખ્યામાં મોટો ઘટાડો થઇ રહ્યો છે ત્યારે તેને દેશના સત્તાવાર ચર્ચ તરીકે રહેવાનો અધિકાર છે? શું ચર્ચ ઓફ ઇંગ્લેન્ડને હાઉસ ઓફ લોર્ડસમાં બંધારણીય ભુમિકા ભજવવાનો અધિકાર છે? શું કાયદાના ઘડતરમાં ચર્ચ ઓફ ઇંગ્લેન્ડનો પ્રભાવ જરૂરી છે?

વસતી ગણતરીના આંકડાએ નેશનલ સેક્યુલર સોસાયટી જેવા બિનસાંપ્રદાયિકતાના સમર્થકોને બળ પુરું પાડ્યું છે. તેમની લાંબાસમયથી માગ રહી છે કે જાહેર જીવનમાં ધર્મની ભુમિકા હોવી જોઇએ નહીં. જોકે બ્રિટનમાં ચર્ચ ઓફ ઇંગ્લેન્ડની સભ્ય સંખ્યામાં ભલે ઘટાડો થઇ રહ્યો હોય પરંતુ અશ્વેત અને પેન્ટિકોસ્ટલ ચર્ચોમાં સભ્યોની સંખ્યામાં મોટો વધારો પણ જોવા મળી રહ્યો છે. રોમન કેથલિક ચર્ચો તેમના અનુયાયીઓને અકબંધ રાખી શક્યાં છે પરંતુ પ્રોટેસ્ટન્ટ ચર્ચો તેમાં નિષ્ફળ રહ્યાં છે. બીજીતરફ મુસ્લિમ, હિન્દુ, શિખ અને યહૂદીઓ માટે ધર્મ હજુ પણ જીવનનો મહત્વનો હિસ્સો છે અને તેમની વસતીમાં પણ વધારો થયો છે.

 ખ્રિસ્તી વાલીઓ તેમના સંતાનોને ખ્રિસ્તી ધર્મના પાલનની ફરજ પાડતા નથી

લંડનની કિંગ્સ કોલેજના પ્રોફેસર લિન્ડા વૂડહેડ કહે છે કે વૃદ્ધાવસ્થાના કારણે પણ ખ્રિસ્તીઓની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. બ્રિટનની ખ્રિસ્તી વસતી ઘણી વૃદ્ધ થઇ ચૂકી છે અને તેમના મોતના કારણે ખ્રિસ્તીઓની સંખ્યા ઘટી રહી છે. તે ઉપરાંત બ્રિટનના ખ્રિસ્તી વાલીઓ ઇસ્લામ અને હિન્દુ સહિતના ધર્મના અનુયાયીઓની જેમ તેમના સંતાનોને ધર્મના સંસ્કાર અને શિક્ષણની ફરજ પાડે છે તેવી રીતે તેમના સંતાનોને ફરજ પાડતા નથી અને પોતાની રીતે જીવવાની સ્વતંત્રતા આપે છે. 1960ના દાયકામાં ઘણા ખ્રિસ્તીઓ પોતાના ધર્મનો ત્યાગ કરી ચૂક્યાં હતાં અને તેમના સંતાનોને નાસ્તિકો તરીકે ઉછેર્યાં હતાં. આજની પેઢી પોતાને કોઇ ધર્મ સાથે સાંકળવા માગતી નથી અને તેથી તે પોતાને નાસ્તિક ગણાવી રહી છે. તેના કારણે બ્રિટનમાં ખ્રિસ્તીઓની વસતીમાં ઘટાડો જોવાઇ રહ્યો છે.

હાઉસ ઓફ લોર્ડ્સમાં ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના પ્રતિનિધિત્વ સામે સવાલો

2021ની વસતી ગણતરીના આંકડા દર્શાવે છે કે હવે ઇંગ્લેન્ડ ખ્રિસ્તીબહુલ દેશ રહ્યો નથી. તેથી હવે બ્રિટનની સંસદ અને શાળાઓમાં ચર્ચની ભુમિકાનો અંત લાવવાની માગ બુલંદ બની રહી છે. બ્રિટનની શાળાઓમા ખ્રિસ્તી ધર્મના શિક્ષણ અને પ્રાર્થના તથા હાઉસ ઓફ લોર્ડ્સમાં ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના બિશપોને સ્થાન અંગેના કાયદાઓમાં તાત્કાલિક સુધારા કરવાની માગ ઊઠી છે. યોર્કના આર્ચબિશપ સ્ટિફન કોટ્ટરેલે જણાવ્યું હતું કે, ચર્ચ ખ્રિસ્તીઓની ઘટી રહેલી સંખ્યા સામે સંઘર્ષ કરી રહ્યું છે. બાર્કિંગના બિશપ લેઇન ક્યુલેન્સે જણાવ્યું હતું કે, ચર્ચે પોતાને પરાજિત માનવાની જરૂર નથી. આપણે વધુ ઊંચાઇ પ્રાપ્ત કરવા માટે થોડા નીચે જવું પડશે. અમે વધુ લોકો ચર્ચ સાથે સંકળાય તે માટેના પ્રયાસો કરીશું. પરંતુ હવે સેક્યુલારિસ્ટ અને અન્યો ચર્ચ ઓફ ઇંગ્લેન્ડની ભુમિકાનો અંત લાવવાની માગ કરી રહ્યાં છે. કિંગ્સ કોલેજના પ્રોફેસર વર્નોન બોગડેનોર કહે છે કે વસતી ગણતરીના આંકડા હાઉસ ઓફ લોર્ડ્સમાં ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના આગેવાનોના સ્થાન પર સવાલો ઉઠાવી રહ્યાં છે. જે સમુદાય લઘુમતીમાં હોય તેનું પ્રતિનિધિત્વ ચર્ચ કેવી રીતે કરી શકે. પ્રોફેસર લિન્ડા વૂડહેડ કહે છે કે ખ્રિસ્તીઓ લઘુમતીમાં આવી ગયા હોવાથી જૂની નીતિઓ સમાજ સાથે સંલગ્ન રહી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter