લંડનઃ સાંસદોએ ચેતવણી આપી છે કે જો પાર્લામેન્ટ હાઉસની મરામત કરાવવામાં નહીં આવે તો કોઇ હોનારતમાં તે ધરાશાયી થઇ શકે છે. પબ્લિક એકાઉન્ટ કમિટીએ જણાવ્યું હતું કે, વિક્ટોરિયન કાળની આ ઇમારતમાં લીકેજ થઇ રહ્યું હોવાથી ત્યાં કામ કરતા હજારો લોકો પર જોખમ તોળાઇ રહ્યું છે. ઇમારતના પોપડા ખરી રહ્યાં છે અને ગમે ત્યારે આગ ફાટી નીકળવાનું પણ જોખમ રહેલું છે.
સાંસદોએ જણાવ્યું હતું કે, પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરની મરામત કરવાના નિર્ણય પાંચ વર્ષ પહેલાં લેવાયો હોવા છતાં તેનો હજુ અમલ થયો નથી. વિક્ટોરિયન યુગની આ ઇમારતને ઊભી રખવા માટે પાર્લામેન્ટ દ્વારા દર સપ્તાહે બે મિલિયન પાઉન્ડનો ખર્ચ કરાય છે.
કમિટીના અધ્યક્ષ ડેમ મેગ હિલિયરે જણાવ્યું હતું કે, મરામતના નિર્ણયના વર્ષો પછી સંસદે તેને ફેરવી તોળ્યો છે અને એલિઝાબેથ ટાવરની મરામતમાં જ તોતિંગ ખર્ચ થઇ ગયો છે. વૈશ્વિક ધરોહર એવી આ ઇમારતની મરામત કરવી મુશ્કેલ છે કારણ કે અહીં હજારો લોકો કામ કરે છે અને મુલાકાતે આવે છે. પરંતુ જો મહત્વની મરામત નહીં કરાય તો કોઇ હોનારતમાં આ ઇમારતનો નાશ થઇ જશે.
પાર્લામેન્ટ હાઉસની મરામતમાં કેટલો ખર્ચ આવશે તે નક્કી નથી. પરંતુ એમ માનવામાં આવે છે કે ખર્ચો તોતિંગ હશે અને તેનો બોજો કરદાતાઓ પર પડશે.


