બ્રિટનનું રાષ્ટ્રીય દેવું £૨ ટ્રિલિ.ના આંકની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું

Wednesday 26th August 2020 01:17 EDT
 

લંડનઃ કોરોના મહામારીનો સામનો કરવા માટે સરકારે બિલિયન્સ પાઉન્ડનું કરજ લેવું પડ્યું હોવાથી બ્રિટનનું રાષ્ટ્રીય કરજ સૌપ્રથમ વખત ૨ ટ્રિલિયન પાઉન્ડના આંકડાને વટાવી ગયું છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS) દ્વારા જાહેર ક્ષેત્રની૫ નાણાકીય સ્થિતિ અંગે જાહેર કરાયેલા આંકડામાં જુલાઈ મહિનાના અંત સુધીમાં ચોખ્ખાં દેવાંની રકમ ૨,૦૦૪.૦ બિલિયન પાઉન્ડ દર્શાવાઈ છે, જે ગત વર્ષના આ સમયગાળા કરતાં ૨૨૭.૬ બિલિયન પાઉન્ડ વધુ છે.

બ્રિટનનું જાહેર દેવું વધીને ૨ ટ્રિલિયન પાઉન્ડ થઇ જતાં ચાન્સેલર રિશિ સુનાકે આગામી સમયમાં કેટલાક આકરા પગલા લેવાની ચેતવણી આપતા જણાવ્યું હતું કે આપણે બિઝનેસને સુરક્ષિત રીતે ખોલવામાં મદદ કરવી પડશે જેથી દેશના અર્થતંત્રને વેગ આપવા અને રોજગારીનું સર્જન કરવામાં મદદ મળે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે નોકરીઓનું સર્જન અને રક્ષણ કરવું પડશે.

કોરોના મહામારીના કારણે સરકારને વધુ ધીરાણ લેવાની ફરજ પડી છે. ONSના ડેટા અનુસાર નાણાવર્ષના પ્રથમ ચાર મહિના એપ્રિલથી જુલાઈ ૨૦૨૦ના ગાળામાં સરકારનું કરજ અંદાજે ૧૫૦.૫ બિલિયન પાઉન્ડનું રહ્યું હતું. ફક્ત જુલાઇ મહિનામાં જ સરકારે ૨૬.૭ બિલિયન પાઉન્ડનું ધીરાણ મેળવ્યું હતું. સરકારે અભૂતપૂર્વ કોવિડ-૧૯ ફર્લો સ્કીમ દ્વારા કરોડો લોકોના વેતન ચાલુ રાખવાની ગેરન્ટી આપી હતી, ટ્રાન્સપોર્ટ ફોર લંડનને બચાવ પેકેજ તેમજ નેશનલ હેલ્થ સ્કીમમાં વધારાનું ભંડોળ આપવા સાથે વેલ્ફેર ખર્ચાને વધારી દીધા હતા.

ઓએનએસના જણાવ્યા અનુસાર બ્રિટનનું જાહેર દેવું દેશના કુલ જીડીપી કરતા પણ વધી ગયું છે. જુલાઇના અંતે જાહેર દેવું જીડીપીના ૧૦૦.૫ ટકા થઇ ગયું છે. માર્ચ ૧૯૬૧ પછી સૌપ્રથમ વખત જાહેર દેવું જીડીપીના ૧૦૦ ટકાથી વધી ગયું છે. બીજી તરફ, નિષ્ણાતોએ આનાથી પણ ખરાબ દિવસો આવવાના બાકી  હોવાની ચેતવણી આપી છે. જોકે તેમણે જણાવ્યું છે કે તેના પછી સારા દિવસો આવવાની શરૂઆત થઇ જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter