લંડનઃ લેબર કોન્ફરન્સ શરૂ થવાના થોડા દિવસ પહેલા જ ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામે લેબરનેતા અને પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મરને પડકારભરી ચેતવણી આપી હતી કે બ્રિટનને ધરમૂળ પરિવર્તનની જરૂર છે જેના વિના નાઈજેલ ફરાજને નંબર-10ની ચાવી સોંપવાના જોખમનો સામનો કરવો પડશે. ઉલ્લેખનીય છે કે લેબર પાર્ટીની લોકપ્રિયતા પોલ્સમાં નીચે ઉતરી રહી છે ત્યારે બર્નહામ પક્ષની નેતાગીરી સ્ટાર્મરના હાથમાંથી આંચકી શકે છે. મે મહિનામાં થનારી ચૂંટણીઓમાં પાર્ટીનો ફરી નબળો દેખાવ થાય તો સ્ટાર્મરને ચાલુ રાખવા વિશે લેબર સાંસદો પણ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
ધ ટેલિગ્રાફને આપેલા ઈન્ટરવ્યૂમાં પૂર્વ કેબિનેટ મિનિસ્ટર બર્નહામે જણાવ્યું હતું કે ભાવિ બ્રિટન વિશે તેમના વિચારોમાં લંડન અને સાઉથ ઈસ્ટમાં ખર્ચાળ મકાનો પર ઊંચા કાઉન્સિલ ટેક્સ, કાઉન્સિલ હાઉસીસના બાંધકામ માટે 40 બિલિયન પાઉન્ડનું કરજ, ઓછી આવક મેળવનારા માટે ઈન્કમ ટેક્સમાં કાપ અને સૌથી વધુ વેતન મેળવારા માટે 50 પેન્સના દરને સમાવેશ થાય છે. તેમણે દિવ્યાંગો માટે બેનિફિટ્સમાં કાપ તેમજ બે બાળકોના બેનિફિટ્સ મર્યાદાનો અંત લાવવાના પ્રયાસો સામે રોષ વ્યક્ત કર્યો હતો.
પ્રાઈમ મિનિસ્ટર બનવાની મહત્ત્વાકાંક્ષા હજુ પણ છે તે પ્રશ્નના ઉત્તરમાં બર્નહામે કહ્યું હતું કે તેઓ બે વખત લેબર પાર્ટીના નેતા થવાની સ્પર્ધામાં ઉભા રહ્યા હતા અને આ બાબત જ જવાબ આપી જાય છે. પાર્ટીની નેતાગીરીને પરોક્ષ પડકાર આપતા તેમણે ધ ન્યૂ સ્ટેટ્સમેનને જણાવ્યું હતું કે તેઓ લેબર કોન્ફરન્સમાં લોકો સમક્ષ એ પ્રશ્ન ઉઠાવવાના છે કે શું આપણે સમૂળા પરિવર્તન માટે તૈયાર છીએ? કારણ કે દેશને આની જ જરૂર હોવાનો તેમનો મત છે. રીશફલિંગ પૂરતું નથી. ગાર્ડ બદલવાથી કશું ન થાય. તમ રે સમગ્ર કલ્ચર જ બદલવું પડે.