બ્રિટનને ધુમ્રપાનમુક્ત બનાવવાની દિશામાં સંસદનું પહેલું કદમ

ટોબેકો એન્ડ વેપ્સ બિલે હાઉસ ઓફ કોમન્સમાં પ્રથમ અવરોધ પાર કર્યો, તરફેણમાં 415 અને વિરુદ્ધમાં 47 મત, 15 વર્ષ કે તેથી નાના માટે ધુમ્રપાન પર પ્રતિબંધની જોગવાઇ

Tuesday 03rd December 2024 10:02 EST
 
 

લંડનઃ 15 કે તેથી નાની વયના લોકો માટે ધુમ્રપાન ગેરકાયદેસર કરવા રજૂ કરાયેલા ખરડાએ હાઉસ ઓફ કોમન્સમાં પ્રથમ અવરોધ પાર કરી લીધો છે. મોટી સંખ્યામાં સાંસદોએ આ પ્રતિબંધને સમર્થન આપ્યું છે. આ પ્રસ્તાવ અગાઉની રિશી સુનાક સરકાર દ્વારા રજૂ કરાયો હતો પરંતુ જુલાઇમાં સંસદની ચૂંટણી આવી જતાં અગાઉ પ્રસ્તાવિત ખરડો ખારિજ થઇ ગયો હતો. સત્તામાં આવેલી નવી લેબર સરકારે આ પ્રસ્તાવ સાથે આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. તેના દ્વારા રજૂ કરાયેલા નવા ટોબેકો એન્ડ વેપ્સ બિલને હાઉસ ઓફ કોમન્સમાં તરફેણમાં 415 અને વિરોધમાં 47 મત પ્રાપ્ત થયાં હતાં. જોકે કેટલાક ટોરી અને લિબ ડેમ સાંસદોએ આ ખરડાના મુદ્દે સિવિલ લિબર્ટી પર પડનારી અસરોની રજૂઆત કરી હતી. હવે હાઉસ ઓફ કોમન્સમાં સાંસદો દ્વારા આ ખરડા પર વધુ ચર્ચા હાથ ધરાશે.

મતદાનમાં કન્ઝર્વેટિવ અને લિબ ડેમ સાંસદોને તેમની પાર્ટીઓ દ્વારા કોઇ વ્હિપ અપાયો નહોતો. તેથી ટોરી નેતા કેમી બેડનોક અને પૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન સહિત 35 ટોરી સાંસદે ખરડાની વિરુદ્ધ મતદાન કર્યું હતું જ્યે 23 ટોરી સાંસદોએ સમર્થન આપ્યું હતું. 7 લિબ ડેમ સાંસદ અને રિફોર્મ યુકેના 4 સાંસદે પણ ખરડાની વિરુદ્ધ મતદાન કર્યું હતું.

હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગે જણાવ્યું હતું કે, ધુમ્રપાન કરવાની વયમર્યાદા તબક્કાવાર વધારવાથી પહેલી ધુમ્રપાન નહીં કરતી પેઢીનું સર્જન કરી શકાશે. આ રીતે દેશને ધુમ્રપાનમુક્ત કરી શકાશે. આ ખરડામાં વેપિંગ પર લગામ કસવાની પણ જોગવાઇઓ  છે. આ ખરડો એનએચએસ પરના દબાણને ઘટાડવામાં પણ મદદરૂપ બનશે. તેના દ્વારા હેલ્થકેર પરથી ધ્યાન હટીને બીમારી અટકાવવા પર કેન્દ્રિત થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter