બ્રિટનનો કોવિડ પાસ ઈયુમાં માન્ય

Wednesday 03rd November 2021 07:34 EDT
 
 

લંડનઃ બ્રિટનનું NHS કોવિડ સર્ટિફિકેટ હવે ૨૯ ઓક્ટોબર, શુક્રવારથી સમગ્ર યુરોપિયન યુનિયનમાં માન્ય કરાયું છે. આનો અર્થ એ છે કે હવે બ્રિટિશરોએ ઈયુ દેશોમાં પ્રવેશવા નિયમિત કોરોના વાઈરસ ટેસ્ટ્સ લેવાની જરૂર રહેશે નહિ. બ્રિટનનો ડિજિટલ પાસ ઈયુ બ્લોકના જુલાઈમાં દાખલ કરાયેલા કોવિડ સર્ટિફિકેટની સમકક્ષ ગણવાની જાહેરાત કરાઈ છે.

નેધરલેન્ડ્સ જેવા દેશોમાં રજાઓ માણવા જનારા સંપૂર્ણ વેક્સિનેટેડ બ્રિટિશ પ્રવાસીઓએ હવે ત્યાં પ્રવેશ માટે દર ૨૪ કલાકે કોરોના ટેસ્ટ કરાવવાની જરૂર રહેશે નહિ કારણકે ઈયુ દ્વારા NHS કોવિડ સર્ટિફિકેટને માન્યતા આપી દેવાઈ છે. ઈયુ દેશોમાં બાર્સ, રેસ્ટોરાં, મ્યુઝિયમ્સ તેમજ ઈવેન્ટ્સમાં પ્રવેશ મેળવવા વેક્સિન પાસપોર્ટ ફરજિયાત છે. ફ્રાન્સમાં યુકેના ડિજિટલ કોરોના સર્ટિફિકેટનું TousAntiCovid એપ મારફત પાસ સેનિટેરમાં રુપાંતર કરાવવું નહિ પડે.

યુકે છેક ઉનાળાથી NHS કોવિડનો ઈયુ દ્વારા સ્વીકાર કરાવવા લોબિઈંગ કરતું રહ્યું હતું. જૂન મહિનામાં યુરોપિયન કમિશને વાતચીત સારી ચાલતી હોવાનું જણાવ્યું હતું પરંતુ, મંત્રણાઓ ભાંગી પડી હતી અને ટેક્નિકલ પરીક્ષણોમાં મહિનાઓ લાગી ગયા હતા.

ઈયુ કમિશનર ફોર જસ્ટિસે જણાવ્યું હતું કે યુકે અને અમેરિકામાં જારી કરાયેલા કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટ્સ હવે માન્ય ગણાશે. ઈયુ બ્લોકની બહારના સ્વિટ્ઝર્લેન્ડ, આઈસલેન્ડ અને નોર્વે સહિત વધુ ૧૬ દેશો પણ NHS પાસને સ્વીકારશે. ઈયુ ડિજિટલ કોવિડ સર્ટિફિકેટની સિસ્ટમ સાથે હવે ચાર ખંડના ૪૫ દેશો સંકળાયેલા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter