લંડનઃ બ્રિટનમાં પ્રોનેટલિસ્ટ મૂવમેન્ટનો પ્રારંભ કરાયો છે. આ મૂવમેન્ટ શરૂ કરનારા લોકો કહે છે કે દેશમાં ઘટતો જન્મદર અટકશે નહીં ત્યાં સુધી કલ્યાણ રાજ્ય સ્થિર રહી શક્શે નહીં. પ્રોનેટાલિઝમનો અર્થ એ છે કે દેશનું ભવિષ્ય મોટી સંખ્યામાં બાળકો પેદા કરવા પર આધારિત છે. આ મૂવમેન્ટ યુવા પરિવારોને સહાય માટે પ્રોત્સાહન પણ આપે છે.
યુકેમાં 1939 પછીનો સૌથી નીચો જન્મદર 1.49 2022માં નોંધાયો હતો. તેના કારણે બ્રિટનમાં નિષ્ણાતો મધ્યે ચર્ચા છેડાઇ ગઇ છે. તેઓ માને છે કે ઘટતી જતી વસતીના ગંભીર પરિણામ આવી શકે છે. ડેમોગ્રાફર પોલ મોર્લેન્ડ કહે છે કે વિશ્વને વધુ બાળકોની જરૂર છે. જો યુકેમાં આ રીતે જ જન્મદર ઘટતો રહેશે તો તેના આર્થિક પરિણામો ભોગવવા પડશે.
મોર્લેન્ડ કહે છે કે જન્મદર ઘટવાના કારણે આપણો આર્થિક વૃદ્ધિદર ઘટી રહ્યો છે. મોટાપાયે ઇમિગ્રેશન થઇ રહ્યું હોવા છતાં આપણે લેબરની ગંભીર અછતનો સામનો કરી રહ્યાં છીએ. આપણી પાસે એક નિવૃત્ત થતા કર્મચારીની સામે ચારથી પાંચ કામદાર હોવા જોઇએ તેની સામે આપણી પાસે ફક્ત બે જ કામદાર છે.

