બ્રિટનનો સૌથી મોટો પરિવાર

Saturday 02nd June 2018 08:11 EDT
 
 

લંડનઃ લેન્કેશાયરના મોરકોમ્બેના નિવાસી રેડફોર્ડ દંપતી સંખ્યાની દૃષ્ટિએ બ્રિટનમાં સૌથી મોટો પરિવાર ધરાવે છે અને તેમાં વૃદ્ધિ થતી જ રહે છે. ૪૩ વર્ષની સ્યૂ અને ૪૬ વર્ષના નોએલ રેડફોર્ડ હાલ ૨૦ બાળકો ધરાવે છે અને નવેમ્બર મહિનામાં ૨૧મા બાળકના અવતરણની શક્યતા છે. તેમના સૌથી મોટા સંતાન ક્રિસની વય ૨૯ વર્ષની છે જ્યારે સૌથી નાનું સંતાન આર્ચી આઠ માસનું છે. એક બાળક ૨૦૧૪માં મૃત અવતર્યું હતું. જો તે જીવંત હોત તો બાળકોની સંખ્યા વધુ હોત. તેમની ૨૪ વર્ષની પુત્રી સોફીને પણ ત્રણ સંતાન છે. સ્યૂ અને નોએલના ૨૦માંથી ૧૭ બાળકો આ પરિવાર સાથે જ રહે છે. હવે સ્યૂએ નવું પારણું ખરીદવું પડશે. જોકે, માતા તો કહે છે કે તેણે દરેક બાળક માટે નવાં પારણાં જ ખરીદ્યાં છે. ૩૦ વર્ષમાં ૨૦ એટલે કે સરેરાશ દોઢ વર્ષે એક બાળકના જન્મ સાથે કેલેન્ડરમાં જન્મદિનની વણઝાર લાગી છે અને તેમનો ધોબીઘાટ વધતો જ જાય છે. આટલાં બાળકો સાથે પણ તેમનું દૈનિક જીવન મિલિટરીની ચોકસાઈ સાથે ચાલે છે. તેમને દર સપ્તાહે ચાઈલ્ડ બેનિફિટ તરીકે કુલ ૧૬૦ પાઉન્ડની જ સહાય મળે છે પણ સાપ્તાહિક ફૂડ બજેટ જ ૩૦૦ પાઉન્ડનું છે, જે ખરેખર ઓછું કહી શકાય. રેડફોર્ડ પરિવારમાં પગરખાંની ૬૩ જોડ છે અને દર મહિને બાર્બર શોપમાં ૫૦૦ પાઉન્ડનો ખર્ચ કરવો પડે છે. કદાચ રેકોર્ડ કહી શકાય તેવી બાબત એ છે કે સ્યૂ રેડફોર્ડે સરેરાશ દર બે મિનિટના હિસાબે અત્યાર સુધી ૯૧,૦૦૦ બાળોતિયાં એટલે કે નેપીઝ બદલાવ્યાં છે. હવે તેમાં પણ વધારો થવાનો છે. બીજી રસપ્રદ બાબત એ છે કે સ્યૂ ૭૮૭ સપ્તાહ એટલે કે ૫,૪૨૫ દિવસ સગર્ભા રહેવામાં જ ગાળ્યાં છે. સ્યૂ ૧૯૮૯માં પ્રથમ વખત પ્રેગનન્ટ બની ત્યારે તેની વય ૧૪ વર્ષની હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter