ઇરાકના બગદાદની ઉત્તરે આવેલ બૈજી સ્થિત અોઇલ રીફાઇનરી પર ગત તા. ૧૩મી જૂનના રોજ આત્મઘાતી હુમલો કરી ૧૦ના મોત માટે જવાબદાર બ્રિટનનો સૌથી યુવાન સુસાઇડ બોમ્બર તલ્હા અસમલ ઉર્ફે તલ્હા પટેલ તેમજ તેની સાથે સીરીયા જઇને ખૂંખાર આતંકવાદી જુથ આઇએસઆઇએસમાં જોડાનાર હસન મુન્શી મૂળ ગુજરાતના વતની હોવાનું બહાર આવતા બ્રિટનમાં વસતા ગુજરાતી મુસ્લિમો અને ભારતીય મૂળના લોકો ચોંકી ઉઠ્યા છે. તલ્હાની માતા નુરજહાંનો જન્મ ગુજરાતમાં થયો હોવાનું તેમજ પિતા ઇસ્માઇલનો જન્મ બ્રિટનમાં થયો હોવાનું બહાર આવ્યું છે. બનાવ અંગે જાણ થતા વડોદરા પોલીસે તાલ્હાના દૂરના પરિવારજનોની પૂછપરછ કરી તાલ્હા અને તેના યુકે સ્થિત પરિવારજનો વિષે માહિતી મેળવી હતી.
ડયુસબરીમાં રહેતાં તલ્હા પટેલ અને હસન મુન્શી ૩૧મી માર્ચના રોજ માન્ચેસ્ટરથી તુર્કી જવા રવાના થયા બાદ લાપત્તા બન્યાં હતા. ઇરાકના બૈજી નજીક આઇએસની આત્મઘાતી ટુકડીએ રીફાઇનરી ઉડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. અોઇલ રીફાઇનરી પર આત્મઘાતી હુમલાની ઘટના બાદ આઇએસઆઇએસ દ્વારા ૧૭ વર્ષના તલ્હા અસમલની વિસ્ફોટકો ભરેલી એસયુવી કાર સાથેની આઇએસઆઇએસની 'વન ફીંગર સિગ્નેચર' સાથેની તસવીર જાહેર કરાઇ હતી. જયારે તેની સાથે તુર્કી ગયેલા હસન મુન્શીનો કોઇ પત્તો નથી.
તલ્હાને આઇએસઆઇએસના આતંકીઅો અબુ યુસુફ અલ બ્રિતાનીના નામથી અોળખતા હતા. તલ્હાના પહેલા ૭/૭ના લંડન બોમ્બ વિસ્ફોટમાં સંડોવાયેલ મોહમ્મદ સાદીકખાન પણ ડ્યુશબરીનો જ વતની હતો અને તે હુમલામાં ૫૨ વ્યક્તિના મોત થયા હતા અને ૭૦૦ કરતા વધુ લોકોને ઇજાઅો થઇ હતી. ડ્યુશબરીના સ્થાનીક લોકો માને છે કે તલ્હા અને હસન મુન્શીના આ કટ્ટરવાદી વલણ પાછળ અોનલાઇન ગ્રુમીંગ જવાબદાર છે જ્યારે અમુક લોકોનું માનવું છે કે ડ્યુશબરીના સ્થાનિક લોકોમાંથી કોઇક આ યુવાનોને ભરમાવીને આતંકવાદ માટે ઉશ્કેરી રહ્યા છે.
દૈનિક 'દિવ્ય ભાસ્કર'ના અહેવાલ મુજબ યોર્કશાયર ડ્યૂસબરી વેસ્ટમાં સેવિલ ખાતે રહેતા તાલ્હાના દાદા દાઉદભાઇ પટેલ અને તેમનો પરિવાર વડોદરા જીલ્લાના કરજણ પાસે આવેલા મેસરાડ ગામના વતની હતા અને છેલ્લા ૪૫ વર્ષોથી બ્રિટન સ્થાયી થયા હતા. દાઉદભાઇ પટેલ આજથી પચીસેક વર્ષ પહેલા દીકરા ઈસ્માઈલના નિકાહ કરાવવા વતન મેસરાડ આવ્યા હતા. ઈસ્માઈલના નિકાહ ભરૂચ પાસે આવેલા કંબોઈ ગામની નુરઝહા સાથે થયા હતા અને તેમના સંતાન તલ્હાનો જન્મ બ્રિટનમાં જ થયો હતો. તલ્હા ત્રણ વર્ષનો હતો ત્યારે નુરજહા સાથે તે માત્ર એક વખત પોતાના મોસાળ કંબોલી આવ્યો હતો.
તલ્હાના પિતરાઇ કાકા મુસ્તાકભાઇ મહંમદભાઇ વોરા પટેલની પોલીસે પુછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે 'યુકે રહેતા તેના ભાઇ નિઝામે તલ્હાના મોતની જાણ કરી હતી.' દાઉદભાઇનું મેસરાડ ગામે મકાન પણ હતું જે તેમણે ભાઈ અહેમદના દીકરા મુસ્તાક પટેલને વેચ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઇસ્માઇલ મોબાઇલ શોપ ધરાવે છે અને તેમના ૫ સંતાનો પૈકી ૧૭ વર્ષનો મોટો પુત્ર તલ્હા આતંકી સંગઠન આઇએસઆઇએસ સાથે જોડાવા ગત માર્ચ માસમાં પોતાની પડોશમાં રહેતા અને મૂળ ભરૂચ જીલ્લાના કાવીના વતની મિત્ર હસન મુન્શી સાથે સીરીયા ચાલ્યો ગયો હતો. તલ્હાના દાદા દાઉદભાઇ ૧૯૬૮ના અરસામાં બ્રિટન ગયા હતા અને તેમના સંતાનો ઇસ્માઇલ, રાબીયા, સલમા અને શહીદાનો જન્મ બ્રિટનમાં જ થયો હતો.
ઇસ્માઇલના લગ્ન ૧૯૮૯માં ભરૂચ જીલ્લાના કંબોલીના અબ્દુલ મુસા ઝીણા અને હમીદા અબ્દુલ ઝીણાની મોટી પુત્રી નૂરજહાં સાથે થયા હતાં. ઇસ્માઇલ અને નૂરજહાંના પાંચ સંતાનો તલ્હા, યાસીન, યુસુફ, દાઉદ અને મરિયમનો જન્મ પણ લંડનમાં થયો હતો. છેલ્લા ૧૨ વર્ષથી તેમના પરિવારનો કોઇ સદસ્ય ભારત ગયો નથી.
ઈસ્માઈલ પટેલે જણાવ્યું હતું કે 'રમત-ગમતનો શોખીન તલ્હા કાયમ બીજાની ચિંતા કરતો હતો, તેને કોઈની સાથે કયારેય સામાન્ય ઝઘડો પણ થતો ન હતો અને તે કેવી રીતે કટ્ટરપંથી વિચાર ધારાનો ભાગ બની ગયો તે સમજાતું નથી.'
અહેવાલ મુજબ તલ્હા ઘરેથી નીકળ્યો ત્યારે તેના દાદી બીબીબહેનને છેલ્લો ફોન કર્યો હતો અને મિત્ર સાથે પ્રિસ્ટન જાઉ છું તેમ જણાવ્યું હતું પરંતુ બીજા દિવસ સવારે સ્કૂલમાં ન જતા શાળા દ્વારા તલ્હાની માતા નૂરજાહાંને ફોન કરીને જાણ કરી હતી. જેને પગલે ઇસ્માઇલ ભાઇએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. તે પછી પોલીસે પટેલ પરિવારને બોમ્બ વિસ્ફોટમાં તલ્હા માર્યો ગયો હોવાની સત્તાવાર જાણ કરી હતી.
તલ્હાની સાથે જ સીરીયા ભાગી ગયેલા હસન મુનશીના પૂર્વજો જંબુસર તાલુકાના કાવી ગામના વતની છે અને તેમનો પરિવાર ૬૦ વર્ષ પહેલા બ્રિટનમાં સ્થાયી થયો હતો. હસન મુન્શીનો મોટો ભાઇ પણ વિસ્ફોટકો બનાવવાના દસ્તાવેજો સાથે પકડાયો હતો અને તે બ્રિટનનો સૌથી યુવાન કટ્ટરવાદી ગણાય છે. પોલીસ હસન મુન્શીના પરિવારજનો વિષે માહિતી મેળવવા માટે કાવી ગઇ હતી. હસન મુન્શી હજુ સુધી સીરીયામાં જ છે પણ તેની કોઇ માહિતી મળી નથી.
હસન મુન્શીના ભાઇ હમ્માદ (ઉ.વ.૧૬)ની પોલીસે ૨૦૦૬માં ઇન્ટરનેટ પરથી વિસ્ફોટકો બનાવવાની માહિતી ડાઉનલોડ કરવા બદલ ધરપકડ કરી હતી. તેની સાથે પકડાયેલા અન્ય બે જણા તે કાવતરાના માસ્ટર માઇન્ડ હોવાનું બહાર આવ્યું હતું.
'દિવ્ય ભાસ્કર'ના અહેવાલ મુજબ હસન મુન્શીના દાદા યાકુબભાઇની ડયુસબરીમાં ઘણી નામના છે. ડયુસબરીમાં પ્રથમ શરીઆ કોર્ટ શરૂ કરવામાં યાકુબભાઇનું ઘણું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું. કાવી ગ્રામ પંચાયતના સભ્ય અલી ઇબ્રાહીમના જણાવ્યા મુજબ ૬૦ વર્ષ અગાઉ મુન્શી પરિવાર ગામ છોડી બ્રિટનમાં સ્થાયી થયો હતો. હસનના દાદા યાકુબભાઇને સાત સંતાનો હતા.
બ્રિટનમાં વસતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી મુસ્લિમો આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા છે.


