બ્રિટનભરમાં ગેરકાયદેસર કામ કરતા વિદેશીઓ પર દરોડા, 105ની ધરપકડ

બ્રિટનમાં ગેરકાયદે રહેતા લોકો પર દરોડા, વડાપ્રધાન સુનાક પણ જોડાયા

Tuesday 20th June 2023 12:40 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં ગેરકાયદેસર રીતે રહીને કામ કરતા લોકો સામેની કાર્યવાહીમાં ઇમિગ્રેશન અધિકારીઓએ દેશવ્યાપી દરોડા પાડી 100 કરતા વધુ ગેરકાયદેસર કામદારોની ધરપકડ કરી હતી. અધિકારીઓએ રેસ્ટોરન્ટ, કાર વોશ, નેઇલ બાર્સ, બાર્બર શોપ, કન્વેનિઅન્સ સ્ટોર્સ પર દરોડા પાડ્યા હતા. ગયા ગુરુવારે હાથ ધરાયેલી આ દરોડાની કાર્યવાહીમાં 105 વિદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે નોકરી કરતા ઝડપાઇ ગયા હતા. ધરપકડ કરાયેલા વિદેશી નાગરિકો પાસેથી બનાવટી દસ્તાવેજો અને કેટલીક રોકડ પણ જપ્ત કરાઇ હતી.

હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને જણાવ્યું હતું કે, ગેરકાયદેસર નોકરી આપણા સમાજને નુકસાન કરે છે, પ્રમાણિક કર્મચારીઓ સાથે છેતરપિંડી સમાન છે. તેઓ કોઇ પ્રકારનો ટેક્સ ચૂકવતા નથી તેથી જનતા સાથે પણ છેતરપિંડી કરે છે. વડાપ્રધાને નક્કી કર્યા પ્રમાણે અમે આપણા કાયદા અને સરહદોના થતા દુરુપયોગને અટકાવવા પ્રતિબદ્ધ છીએ.

આપણે સારી રીતે જાણીએ છીએ કે આ પ્રકારના બ્લેક માર્કેટ એમ્પ્લોયમેન્ટના કારણે જ ભયજનક અને ગેરકાયદેસર મુસાફરીઓ કરીને યુકેમાં પ્રવેશે છે. આજની કાર્યવાહી સ્પષ્ટ સંદેશ આપે છે કે અમે આ પ્રકારની ગેરરિતીઓને સાંખી લઇશું નહીં.

ધરપકડ કરાયેલા પૈકીના 40થી વધુને હોમ ઓફિસ દ્વારા અટકાયતમાં લેવાયા હતા. આ લોકોને યુકેમાંથી દેશનિકાલ કરવાની કાર્યવાહી હજુ પડતર છે. બાકીના લોકોને ઇમિગ્રેશન જામીન પર મુક્ત કરાયા હતા.

બ્રિટિશ વડાપ્રધાન રિશી સુનાક ગુરુવારે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ અભિયાનમાં જોડાયા હતા. ફોટો પોસ્ટ કરતા સુનાકે કહ્યું આજે મેં એન્ફોર્સમેન્ટ ઓફિસરો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવાની ઝુંબેશમાં ભાગ લીધો હતો. યુકેમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને ઘૂસણખોરોને રોકવા માટે મેં જે વાયદો કર્યો હતો તેને પૂર્ણ કરવા માટે આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. તેમણે કહ્યું કે અહીં ગેરકાયદેસર રીતે કામ કરવું લોકોની મૂડી પર બોજ સમાન છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter