લંડનઃ બ્રિટનમાં 65 વર્ષથી વધુ વયના 47 લાખ લોકો ઇન્ટરનેટનો યોગ્ય ઉપયોગ ન કરી શક્તા હોવાથી સમાજથી અળગા થઇ ગયાં છે. વર્તમાન સમયમાં આરોગ્ય સેવાઓ, બેન્કિંગ સેવાઓ સહિતની સેવાઓ ડિજિટલ થઇ હોવાથી તેઓ તેનો ઉપયોગ કરી શક્તાં નથી અને જમાનાથી પાછળ રહી ગયાં છે.
ચેરિટી એજ યુકેના જણાવ્યા અનુસાર બ્રિટનમાં 65 વર્ષથી વધુ વયના 47 લાખ લોકો ઇન્ટરનેટના વપરાશ માટે મહત્વના ગણાતી આઠ પ્રવૃત્તિ પણ કરી શક્તાં નથી. તેઓ ડિવાઇસને ટર્ન ઓન કરી શક્તાં નથી, લોગ ઇન ડિટેઇલ્સ એન્ટર કરી શક્તાં નથી, વાઇફાઇ સાથે કનેક્ટ કરી શક્તાં નથી, ઇન્ટરનેટ બ્રાઉસર ખોલી શક્તાં નથી, પાસવર્ડ સિક્યોર કરી શક્તાં નથી અને જરૂર પડે તો પાસવર્ડ પણ બદલી શક્તાં નથી.
તાજેતરના વર્ષઓમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા વૃદ્ધોની સંખ્યામાં વધારો થયો હોવા છતાં બ્રિટનમાં દર 6 વૃદ્ધમાંથી એક વૃદ્ધે એટલે કે 23 લાખ લોકોએ ક્યારેય ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો નથી.
એજ યુકેએ તમામ રાજકીય પાર્ટીઓને તમામ જાહેરસેવાઓ સરળતાથી ઉપલબ્ધ બને અને વૃદ્ધો તેનો સરળતાથી ઉપયોગ કરી શકે તે સુનિશ્ચિત કરવાનું આગામી ચૂંટણીમાં વચન આપવા અપીલ કરી છે.