લંડનઃ પ્રસિદ્ધ નહીં કરાયેલા એક વોચડોગ રિપોર્ટ અનુસાર 60,000થી વધુ વિદેશી નાગરિક યુકેમાં વસવાટનો કાનૂની અધિકાર ધરાવતા નથી. આ વિદેશીઓ વિઝાની મુદત પૂરી થયા પછી પણ યુકેમાં વસવાટ કરી રહ્યાં છે.
ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટે ગત જુલાઈ સુધીમાં 62,275 સંભવિત ઓવરસ્ટેયર્સની ઓળખ કરી હતી. આ તમામ એવા લોકો છે જેમના વીઝાની મુદત સમાપ્ત થઈ ગઈ હોવાની શંકા છે. છેલ્લા બે વર્ષમાં હોમ ઓફિસ સાથે તેમનો કોઈને કોઈ સંપર્ક રહ્યો છે.
નિરીક્ષકોએ ચેતવણી આપી છે કે હોમ ઓફિસ પાસે કોઈ સત્તાવાર આંકડા ન હોવાને કારણે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોની સાચી સંખ્યા જાણવી મુશ્કેલ છે. તેના બદલે, અધિકારીઓ આંતરિક ડેટાબેઝ અને અંદાજો પર નિર્ભર રહે છે. આ સિવાય, વોચડોગ દ્વારા વર્ક વીઝા રદ કરવાના 89,000 જેટલા કેસ પેન્ડિંગ હોવાનું પણ સામે આવ્યું છે, જેમાંથી કેટલાક કેસના નિકાલમાં સાત મહિના જેટલો સમય લાગી રહ્યો છે.

