લંડનઃ યુકેમાં બ્લડ પ્રેશર પિલ્સ અને કેન્સરની જીવનરક્ષક દવાઓ સહિત અતિ આવશ્યક દવાઓના સપ્લાયની તાતી કટોકટી મહિનાઓથી સર્જાયેલી છે. આ ઉપરાંત હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી (HRT)ની દવાઓ પ્રિસ્ક્રાઈબ કરાઈ હોય તેવા લગભગ 60 ટકા પેશન્ટ અછત મધ્યે દવાઓ મેળવવાનો સંઘર્ષ કરી રહ્યા છે. ફાર્માસિસ્ટ્સે આ પરિસ્થિતિ બાબતે ચેતવણી આપી છે કે દવાઓની અછત પેશન્ટની સલામતી માટે જોખમ સર્જી શકે છે.
ઓનલાઈન ફાર્મસી Pharmacy2U ના નવા અભ્યાસમાં જણાયું છે કે 61 ટકા બ્રિટિશ મહિલાોએ તેમના મેનોપોઝ સારવારની દવાઓ નહિ મળવાથી ઓછામાં ઓછું બીજી વખત ફાર્મસીની મુલાકાત લેવી પડે છે. 100થી વધુ મહિલાના સરવેનું વિશ્લેષણ જણાવે છે કે ત્રીજા ભાગની મહિલાએ સ્થાનિક ફાર્મસીમાં દવા અપ્રાપ્ય હોવાથી અનેક ફાર્મસીની મુલાકાત લેવાની ફરજ પડે છે. Pharmacy2U ના સુપરિન્ટેન્ડન્ટ ફાર્માસિસ્ટ ફિલ ડેના કહેવા મુજબ HRT પર આધાર રાખતા પેશન્ટ્સ માટે શોર્ટેજ માત્ર અસુવિધા કરતાં પણ વધુ છે.
સર્વેમાં એમ પણ જણાયું હતું કે HRT અને અન્ય મેનોપોઝ સારવારો માટેના રીપિટ પ્રિસ્ક્રિપ્શન્સ ધરાવતી લગભગ અડધોઅડધ (44 ટકા) મહિલાઓને તેમની સ્થાનિક ફાર્મસીઓમાં છેલ્લાં 12 મહિનાથી ઘણી ઓછી દવાઓ પ્રાપ્ય હતી. પાંચમાંથી બે મહિલા HRT દવાઓ અપ્રાપ્ય હોવાથી તણાવમાં આવી હતી, જ્યારે 15 ટકા મહિલાએ આના કારણે તેમનું આરોગ્ય કથળ્યું હોવાની ફરિયાદ કરી હતી.
એસ્ટ્રાડોટ પેચિસની અલગ અલગ પ્રમાણ – 50 માઈક્રોગ્રામ, 75 માઈક્રોગ્રામ અને 100 માઈક્રોગ્રામની દવાઓ તો છેક 2024થી લગભગ અપ્રાપ્ય જેવી છે અને જાન્યુઆરી 2027 સુધી પરિસ્થિતિમાં ફેરફાર થવાની શક્યતા જણાતી નથી. તાજેતરના વર્ષોમાં HRT પ્રિસ્ક્રિપ્શન્સની માગ બમણાથી વધી માસિક 500,000 થી વધુ થઈ છે. NHSમાં આશરે 3 મિલિયન મહિલાઓને HRT પ્રિસ્ક્રાઈબ કરવામાં આવે છે.


