લંડનઃ બ્રિટનની શાળાઓના દરેક વર્ગમાં એક બાળક એવું હોય છે જેનો જન્મ આઇવીએફ દ્વારા થયો હોય. હ્યુમન ફર્ટિલાઇઝેશન એન્ડ એમ્બ્રિયોલોજી ઓથોરિટીના જણાવ્યા અનુસાર વર્ષ 2023માં 21,000 બાળકોનો જન્મ આઇવીએફ ટ્રિટમેન્ટ દ્વારા થયો હતો. જેની સામે વર્ષ 2000માં ફક્ત 8700 લોકોએ આઇવીએફ ટ્રિટમેન્ટ લીધી હતી.
યુકેમાં જન્મ લેતાં બાળકોમાં આઇવીએફ દ્વારા જન્મતાં બાળકોના પ્રમાણમાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. વર્ષ 2000માં આ પ્રમાણ કુલ જન્મન 1.3 ટકા હતું જે 2023માં વધીને 3.1 ટકા પર પહોંચી ગયું છે. તેનો અર્થ એ થયો કે યુકેમાં વર્ષ 2023માં જન્મેલા દર 32 બાળકમાંથી એક બાળક આઇવીએફથી જન્મ્યું હતું. બ્રિટનની શાળાના દરેક ક્લાસમાં એક બાળક આવું હોય છે.
રેગ્યુલેટરના જણાવ્યા અનુસાર 40થી 44ની વયજૂથની મહિલાઓ દ્વારા જન્મતાં બાળકોમાં 11 ટકા આઇવીએફથી જન્મે છે. જે વર્ષ 2000 પછી 4 ટકાનો વધારો દર્શાવે છે. પોતાના અંડકોષ ફ્રીઝ કરાવતી મહિલાઓની સંખ્યા પણ વધી રહી છે. 2022માં 4700 મહિલાઓએ તેમના અંડકોષ ફ્રીઝ કરાવ્યાં હતાં જેની સામે 2023માં 6900 મહિલાઓએ આ કામ કર્યું હતું.