લંડનઃ સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં બ્રિટનમાં ઈમિગ્રન્ટ પાર્ટનર (પતિ કે પત્ની) સાથે રહેવા માટે અંગ્રેજી ભાષાની પરીક્ષા પાસ કરવાના નિયમને બહાલી આપી છે. કોર્ટે બ્રિટનમાં રહેવા ઈચ્છતી વ્યક્તિને અંગ્રેજી બોલતાં આવડવું જોઈએ તેવા નિયમની અનિવાર્યતા પર મહોર મારતાં હજારો પ્રવાસીઓ પર તેની અસર પડશે. ભારતીય ઉપખંડના દેશોના લોકો મોટી સંખ્યામાં બ્રિટન આવે છે. જોકે, કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે અંગ્રેજીની પરીક્ષા અવ્યવહારુ હોય તો ઈમિગ્રન્ટ્સ બ્રિટન આવતા પહેલા આવી પરીક્ષા આપવાનું ટાળી શકે છે.
સુપ્રીમ કોર્ટના પાંચ જજીસે સર્વસંમત ચુકાદામાં કહ્યું હતું કે અંગ્રેજી ભાષાની પરીક્ષાના અપવાદોને વિસ્તારવા જોઈએ. આનાથી સરકારના ઈમિગ્રેશન નિયમને ભારે ફટકો પડ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે કેટલાંક કિસ્સામાં નિયમના અમલની માર્ગદર્શિકા યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઈટ્સના આર્ટિકલ-૮ હેઠળ અંગત અને પારિવારિક જીવનના અધિકારનું ઉલ્લંઘન કરે છે.
બે મહિલાઓ સાઈકા બીબી અને સફાના અલી દ્વારા કાનૂની કાર્યવાહી કરાઈ હતી. કોવેન્ટ્રીમાં જન્મેલા અને વેસ્ટ મિડલેન્ડ્સમાં પરિવાર સાથે રહેતાં સાઈકા બીબીના પતિ પાકિસ્તાનમાં છે. તેમના માટે માન્ય ટેસ્ટ સેન્ટર ૭૧ અને ૮૮ માઈલના અંતરે છે. સફાના અલીના પતિ યમનમાં રહે છે અને તેમણે ઔપચારિક શિક્ષણ પણ લીધું નથી. આ બન્ને બ્રિટન આવીને પરિવાર સાથે રહેવા ઈચ્છતા હતા. જોકે, યુકેના સ્પાઉસ વીઝા રુલ્સ મુજબ, જો યુરોપિયન યુનિયન બહારની વ્યક્તિ બ્રિટનમાં આવીને રહેવા ઈચ્છે તો તેને બેઝિક અંગ્રેજી શીખવું અનિવાર્ય છે.
સાઈકા બીબી અને સફાના અલીએ દાવો કર્યો હતો કે બ્રિટન આવતા પહેલા તેમના પતિ અંગ્રેજી શીખી નહિ શકે. અંગ્રેજી શીખવા ને ટેસ્ટ પાસ કરવા પતિએ પહેલા તો કમ્પ્યુટર શીખવું પડશે ને લાંબું અંતર કાપવાનું થશે. આ નિયમથી યુરોપિયન કન્વેશન ઓન હ્યુમન રાઈટ્સ (ઈસીએચઆર)ની કલમ-૮ અંતર્ગત તેમના 'રાઈટ ટુ અ પ્રાઈવેટ એન્ડ ફેમિલી લાઈફ'નું હનન થઈ રહ્યુ છે. જોકે કોર્ટે બન્ને મહિલાઓની દલીલો ફગાવી દીધી હતી.