લંડનઃ સ્માર્ટફોન્સમાં જેમ 3G અને 4Gનો યુગ ચાલે છે તેમ બ્રિટનના ઘરોમાં પણ 3Gનો યુગ આવી રહ્યો છે. હવે વૃધ્ધ માતાપિતા અને તેમના નાણાકીય તંગી અનુભવતા સંતાનોનો પરિવાર પણ એક છત હેઠળ સાથે રહેવા લાગ્યાં છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા અનુસાર દેશમાં ૩૧૩,૦૦૦ મકાનોમાં અનેક પેઢીઓનો પરિવાર એક સાથે રહેવા લાગ્યો છે. કન્ઝર્વેટિવ પાર્ટીની કોન્ફરન્સમાં પણ બિઝનેસ સેક્રેટરી સાજિદ જાવિદ અને હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટે પણ એક જ મકાનમાં અનેક પેઢીઓનો પરિવાર રહે તેવી હિમાયત કરી હતી.
આ બંને મિનિસ્ટરે એશિયન સંયુક્ત પરિવારોમાં આબાલવૃદ્ધ સાથે રહે છે, વૃદ્ધોને કેર હોમ્સમાં અલગ મૂક્યાં વિના તેમની સારસંભાળ રખાય છે તેના ઉદાહરણ આપ્યા હતા. આ માત્ર વૃદ્ધોની સારસંભાળની વાત નથી, યુવા જનરેશનને નવું ઘર ખરીદવાની પળોજણ કરવી પડતી નથી. જોકે, સંયુક્ત પરિવારના લાભોની સાથે નાની નાની બાબતોના કારણે દલીલો કે ઝગડા ઉભાં થવાની શક્યતા પણ વધી જાય છે.
પરંપરાગત ભારતીય પરિવારોની માફક જ ફાર્માસિસ્ટ નિક્ષા પટેલનો પરિવાર કેન્ટના ચેથામમાં ચાર બેડરૂમ્સના મકાનમાં પતિ રિતેશ પટેલના માતાપિતા અને પોતાની પુત્રી ટિયા સાથે રહે છે. તેમનો આ ત્રણ પેઢીનો પરિવાર છે. પુત્રીના જન્મ પછી રિતેશ પટેલના માતાપિતા સાથે રહેવા આવ્યા હતા.નિક્ષા કહે છે વડીલો સાથે હોવાથી બાળકોની સંભાળમાં પણ મદદ મળે છે. અમે સંયુક્ત પરિવારની ભારતીય સંસ્કૃતિ આગળ વધારવા માગીએ છીએ. સપ્તાહ દરમિયાન સાસુજી રાંધવાનું કામ કરે છે જ્યારે વીકએન્ડ્સમાં નિક્ષા આ કામ સંભાળે છે.
દેશના લાખો પરિવારોની માફક હેમ્પશાયરના ડોગમેર્સફિલ્ડ ખાતે સ્લેટર પરિવારમાં ચાર પેઢીના લોકો રવિવારે સાથે બેસી ભોજનનો સ્વાદ માણે છે, આખા સપ્તાહના સુખદુખની વાતો કરે છે અને એક જ મકાનમાં આવેલા પાંચ બેડરૂમ્સમાં જીવન વીતાવવા છૂટા પડે છે. સ્લેટર પરિવાર છેક ૨૦૦૬ના વર્ષથી આ રીતે સંયુક્ત જીવન વીતાવે છે.
ગત દાયકામાં સંયુક્ત પરિવાર વ્યવસ્થામાં ૫૬ ટકાનો વધારો થયો છે. પ્રોપર્ટીના આસમાને જતા ભાવ તેમ જ વૃદ્ધોની ગુણવત્તાપૂર્ણ સારસંભાળના અભાવે પરિવારોને સાથે લાવવામાં ભાગ ભજવ્યો છે. સંયુક્ત પરિવાર વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા ટેક્સ અને પ્લાનિંગ કાયદાઓ બદલવાની પણ હિમાયત થઈ છે. ગ્રાન્ડપેરન્ટ્સને સાથે રાખવા માટે મકાન વધારવામાં આવે તો કરરાહત આપવાનું પણ સૂચન કરાયું છે.