બ્રિટનમાં એન્ટિબાયોટિક્સની તીવ્ર અછત, સરકારે ચાર દવાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો

દવા ઉત્પાદકોને એન્ટિબાયોટિક્સનું ઉત્પાદન તાકિદે વધારવા સૂચના અપાઇ

Wednesday 21st December 2022 05:22 EST
 
 

લંડન

દેશમાં સ્ટ્રેપ એ સહિતના રોગોની સારવારમાં વપરાતી એન્ટીબાયોટિક દવાઓની ભારે અછત સર્જાઇ છે. ફાર્માસિસ્ટોએ જણાવ્યું છે કે છેલ્લા એક સપ્તાહમાં એન્ટિબાયોટિકની અછત તીવ્ર બની છે. એસોસિએશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ મલ્ટીપલ ફાર્મસીએ જણાવ્યું છે કે આ સ્થિતિ અસ્વીકાર્ય છે અને સરકારે તાત્કાલિક પગલાં લેવાં જોઇએ. બીજીતરફ બ્રિટિશ સરકારે વિવિધ રોગોની સારવારમાં વપરાતી ચાર એન્ટીબાયોટિક દવાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારે જણાવ્યું છે કે અમે દવા ઉત્પાદકો અને હોલસેલરો સાથે મળીને દવાનો સપ્લાય વધારવા તાકિદના ધોરણે કામ કરી રહ્યાં છીએ.

એસોસિએશનના વડા લેયલા હેનબેકે જણાવ્યું હતું કે, એન્ટીબાયોટિક દવાઓનો પૂરવઠો ઘણો ઘટી ગયો છે. અમે ગયા સપ્તાહમાં જ આ મામલો ઉઠાવ્યો હતો પરંતુ હવે તો સ્થિતિ બદતર બની રહી છે. અમારી પાસે એન્ટીબાયોટિકનો સ્ટોક રહ્યો નથી તેથી લોકોએ એકથી બીજી ફાર્મસીના ધક્કા ખાવા પડે છે. એમ લાગી રહ્યું છે કે આ સમસ્યા અંગે સરકારમાં કોઇને ચિંતા જ નથી. સરકારે ચાર એન્ટીબાયોટિક દવાની નિકાસ પર પ્રતિબંધ લગાવવામાં ઘણો વિલંબ કરી દીધો છે.

બ્રિટનમાં હાલ એમોક્સિસિલિન, ફિનોક્સીમિથાઇલપેનિસિલિન, એઝિથ્રોમાઇસિન અને સેફાલેક્સિન એમ ચાર એન્ટીબાયોટિકની ભારે અછત સર્જાઇ છે. આ ચારેય દવાઓ વિવિધ પ્રકારના બેક્ટેરિયલ ઇન્ફેકશનની સારવારમાં વપરાય છે.

હેનબેકે જણાવ્યું હતું કે, અમે વિકલ્પો શોધવા માટે ઘણી મહેનત કરી રહ્યાં છીએ. અમે ફોર્મ્યુલેશન બદલી રહ્યાં છીએ તેમ છતાં વિકલ્પો ઓછાં પડી રહ્યાં છે. અમે ઉત્પાદકો સાથે મળીને સપ્લાયમાં વધારો કરવા પર કામ કરી રહ્યાં છીએ.

એન્ટીબાયોટિકમાં નફાખોરી કરતી કંપનીઓને સરકારની ચેતવણી

એન્ટીબાયોટિકની અછતના સમયમાં નફાખોરી કરી રહેલી કંપનીઓ સામે પગલાં લેવા સરકારે ચેતવણી આપી છે. સ્ટ્રેપ એ ઇન્ફેક્શનની સારવારમાં વપરાતી એન્ટીબાયોટિક દવાઓની કિંમતમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ફાર્મસીઓના એસોસિએશને જણાવ્યું છે કે જથ્થાબંધ વિક્રેતાઓ 2 પાઉન્ડમાં મળતી પેનિસિલિનના 19 પાઉન્ડ વસૂલી રહ્યાં છે. સ્ટ્રેપ એ ઇન્ફેક્શનમાં થઇ રહેલા વધારાના કારણે પેનિસિલિન, એમોક્સિસિલિન જેવી એન્ટીબાયોટિકની માગમાં મોટો વધારો થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter