બ્રિટનમાં ઓવરસ્ટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીની સંખ્યા ૧૦ ગણી દર્શાવાઈ

ટોરી ઈમિગ્રેશન પોલિસીના નવા ભોપાળાનો ‘ગુપ્ત’ સરકારી અભ્યાસમાં જ પર્દાફાશ

Monday 17th October 2016 12:14 EDT
 
 

લંડનઃ સ્ટુડન્ટ વિઝાની મુદત પૂર્ણ થયાં પછી પણ બ્રિટનમાં રહી જતાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની મોટી સંખ્યાના પરિબળ બાબતે સરકારી અભ્યાસમાં જ ભોપાળું બહાર આવ્યું છે. થેરેસા મેની મહત્ત્વની ઈમિગ્રેશન નીતિઓમાં વિદેશી વિદ્યાર્થીને વિઝા મુદ્દે જોરશોરથી ચલાવાતા પ્રચારનો પરપોટો ફૂટી ગયો છે. હોમ ઓફિસ દ્વારા પાંચમાંથી એક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી ડીગ્રી મેળવી લીધાં પછી બ્રિટનમાં અદૃશ્ય થઈ જતાં હોવાના દાવાઓ કરાયા પછી તાજેતરમાં જ હોમ સેક્રેટરી એમ્બર રડે વિદેશી વિદ્યાર્થીઓ પર ત્રાટકવાની જાહેરાત કરી હતી. જોકે, હોમ ઓફિસના જ નવા અભ્યાસમાં આ સંખ્યા ખોટી છે અને સાચી સંખ્યા ૧,૫૦૦ એટલે કે માત્ર એક ટકા વિદ્યાર્થી અદૃશ્ય થયા હોવાનું જણાવાયું છે.

ધ ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું છે કે હોમ ઓફિસે સંશોધનકાર્ય પૂર્ણ થયું ન હોવાનું કારણ દર્શાવી રિપોર્ટ જાહેર કરવા કે અન્ય વિભાગોને આપવાનો પણ ઈનકાર કર્યો છે. ટાઈમ્સના જણાવ્યા અનુસાર કેટલાક વિદેશી વિદ્યાર્થીઓ વર્ક વિઝા સહિત અન્ય પ્રકારના વિઝામાં તબદીલ થતાં હોય છે. લેંગ્વેજ સ્કૂલ્સ, ટેકનિકલ કોલેજો અને કાનગી કોલેજો દ્વારા સ્પોન્સર કરાતાં વિદ્યાર્થીઓનાં લીધે ઓવરસ્ટે આંકડો ઊંચો જતો હોઈ શકે. હોમ ઓફિસે અગાઉ ઈન્ટરનેશનલ પેસેન્જર સર્વેના આધારે ઓવરસ્ટેઈંગના અંદાજો જાહેર કર્યા હતા.

થેરેસા મેએ ગયા વર્ષની કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સમાં વિદેશી વિદ્યાર્થીઓ મુદ્દે પોતાની નીતિ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે બ્રિટન સમગ્ર વિશ્વમાંથી તેજસ્વી વિદ્યાર્થીઓને આવકારે છે પરંતુ, ઘણાં વિદ્યાર્થીઓ વિઝાની મુદત પૂર્ણ થયાં પછી પણ સ્વદેશ પાછાં ફરતાં નથી. નિયમોનું પાલન થવું જ જોઈએ.

આ વર્ષે હોમ સેક્રેટરી રડે કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સમાં બ્રિટનની બધી યુનિવર્સિટીઓને ઉદાર ઓફરો કરાય છે તેનાથી બ્રિટિશ અર્થતંત્રને કશો લાભ થતો હોવા સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો. હકીકત એ છે કે બ્રિટન વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી ૧૧ બિલિયન પાઉન્ડની આવક રળે છે અને યુનિવર્સિટીના કેટલાંક કોર્સીસ તો અસ્તિત્વ જાળવવા વિદેશી વિદ્યાર્થીઓ પર જ નિર્ભર રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter