લંડનઃ બ્રિટનના બંદરે ઉભેલા ભારતીય જહાજ માલવિયા-૨૦ના ૪૩ વર્ષીય કેપ્ટન નિકેષ રસ્તોગી ૧૮ મહિના પછી ભારત જવા રવાના થયા છે. જહાજના સ્ટાફને પગાર તેમજ બંદરમાં જહાજ રાખવાના ભાડા સબંધી રકમ ભરવાની થતી હોવાથી મુદ્દો કાનુની રીતે ગુંચવાયેલો હતો. ભારત બહાર પુરવઠો લાવવા લઈ જવા કામ કરતું જહાજ ગ્રેટ યારમાઉથમાં લાંગર્યું હોવાથી કેપ્ટન રસ્તોગી છેલ્લા દોઢ વર્ષથી ત્યાં જહાજ સાથે અટક્યા હતા. આ મામલાનો સપ્ટેમ્બરમાં અંત આવશે.
પૂર્વ ઇંગ્લેન્ડના એંગ્લીઆ વિસ્તારમાં આવેલું જહાજ તેના માલિક બેંકરપ્સીમાં અટવાયેલા હોઇને ત્યાં પડયું હતું. આ જહાજના મોટાભાગના ભારતીય કર્મચારી ભારત પરત ફરી ગયા હતા. પણ રસ્તોગી અને અન્ય ત્રણ કર્મીને, બંદરભાડાની રકમ ચુકવણીના મામલે રોકાઈ રહેવું પડયું હતું. વકીલોએ રજૂઆત કરી હતી કે, સ્ટાફનો પગાર પણ ચુકવાયો નથી. કોર્ટે જહાજ જપ્ત કરી, કાનુની રીતે વેચીને કર્મચારીઓનો બાકી પગાર ચુકવવા નિર્ણય કર્યો હતો.
કેપ્ટન રસ્તોગીએ કહ્યું હતું કે મારા માથેથી માનસિક ભાર હટી ગયો જણાય છે. કેમકે આ પ્રકરણે આશાનું કોઇ કિરણ જણાતું ન હતું. જો હું અને મારી સાથેના કર્મીઓ જહાજ છોડી દેતો તે છોડી દીધેલું ગણાય. અમારા પગારનો સવાલ પણ ઉભો રહે. સત્તાવાળાએ જહાજની અંદાજેલી ૭-૮ લાખ પાઉન્ડની કિંમતમાંથી કર્મચારીના પગાર, બંદરભાડા સહિતની રકમ સરળતાથી ચુકવાશે. ભારતમાં મુંબઇમાં રહેતા રસ્તોગી સમુદ્રી જિંદગી ચાલુ રાખશે. તેઓ કહે છે કે વીજળી વારંવાર આપણા પર જ પડે નહીં.