લંડન
બ્રિટનમાં ઇંધણોની ખપત અને કાર્બન ઇત્સર્જન ઘટાડવા માટે એન્વાયરમેન્ટલ ઓડિટ કમિટીએ કેટલાક નીતિવિષયક પ્રસ્તાવોની ભલામણ કરી છે. કમિટીએ 10 મોટા બદલાવના પ્રસ્તાવોમાં હાઇવે પર નેશનલ સ્પીડ લિમિટ 10 કિમી પ્રતિ કલાક ઘટાડવા અને મોટા શહેરોમાં રવિવારે કારના ઉપયોગ પર પ્રતિબંધ લાદવાની ભલામણ કરી છે.
જનતા પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુમાં વધુ ઉપયોગ કરે તે માટે કમિટીએ પબ્લિક ટ્રાન્સપોર્ટને વધુ સસ્તુ બનાવવા, કાર શેરિંગ પ્રેકટિસનો ઉપયોગ વધારવા, મેદાની વિસ્તારોમાં હાઇસ્પીડ ટ્રેનોની સંખ્યા વધારવા, લોકોને ટૂંકા અંતર માટે સાઇકલના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવા અને ઇલેક્ટ્રિક કારને વધુ ઉત્તેજ આપવા જેવા પગલાંની ભલામણ કરી છે.
ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર જો આ પ્રકારના બદલાવ કરવામાં આવે તો વિશ્વમાં ક્રુડ ઓઇલની માગમાં પ્રતિ દિન 2.7 મિલિયન બેરલનો ઘટાડો કરી શકાય. ક્રુડ ઓઇલની માગમાં ઘટાડો કરીને દેશો 2050 સુધીમાં ઝીરો એમિશનનો લક્ષ્યાંક હાંસલ કરી શકે છે.
કમિટીએ કારની ડિઝાઇન અને કાર ખરીદવાના ટ્રેન્ડ પર પણ કેટલાંક મુદ્દા રજૂ કર્યાં છે. કાર ઉત્પાદકો નવા મોડેલમાં મોટી અને ભારે વજનની કારો રજૂ કરી રહ્યાં છે જેના કારણે કારો દ્વારા ફેલાવાતા પ્રદૂષણમાં વધારો થઇ રહ્યો છે. લોકોમાં પણ એસયુવીની ખરીદીનો ક્રેઝ વધી રહ્યો છે. 2022માં 10 બેસ્ટ સેલર્સમાં 6 એસયુવી હતી જેની સામે 2017માં ફક્ત એક એસયુવી બેસ્ટ સેલર રહી હતી.


