લંડન
બ્રિટનમાં માદકદ્રવ્યોના બંધાણીઓ માટે આકરા નિયમોની જાહેરાત કરાઇ છે. કોકેન અને ગાંજા જેવા ગેરકાયદેસર માદકદ્રવ્યોના વપરાશ કરનારાઓને જંગી દંડ ફટકારવા તેમજ ડ્રગ અવેરનેસ કોર્સની ફી વસૂલવાની જાહેરાત હોમ ઓફિસ દ્વારા કરાઇ છે. જે બંધાણીઓ દંડ થયા પછી પણ સુધરવાનું નામ નહીં લે તેમના પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરી દેવાની ચેતવણી પણ જારી કરાઇ છે. સમાજમાંથી માદકદ્રવ્યોનું દુષણ દૂર કરવા માટે તૈયાર કરાયેલી યોજનામાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પહેલીવાર નિયમોનું ઉલ્લંઘન કરનારને 3 તબક્કામાં પેનલ્ટી દ્વારા સુધરવાની તક અપાશે. માદકદ્રવ્ય સાથે ઝડપાનારને ડ્રગ અવેરનેસ કોર્ષમાં ફી ભરીને ફરજિયાત હાજર રહેવું પડશે. આ નિયમનું ઉલ્લંઘન કરનારને નિશ્ચિત રકમનો દંડ અથવા તો ખટલાનો સામનો કરવો પડશે. બીજી વાર ઝડપાઇ જનાર બંધાણીને બીજો ડ્રગ અવેરનેસ કોર્ષ ફી ચૂકવીને કરવો પડશે. તેણે 3 મહિના સુધી ફરજિયાત ડ્રગ ટેસ્ટિંગ કરાવવું પડશે. ત્રીજીવાર ઝડપાઇ જનારને ખટલા અને સિવિલ કોર્ટની સજાનો સામનો કરવો પડશે. તેના નાઇટ ક્લબ અને મનોરંજન સ્થળો ખાતે પ્રવેશ પર પ્રતિબંધ મૂકાશે. તેનો પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ પણ જપ્ત કરી લેવાશે.
બ્રિટનમાં હાલ ગાંજા જેવા ક્લાસ બીમાં સામેલ ગેરકાયદેસર માદક દ્રવ્યો માટે સ્થળ પર જ દંડથી માંડીને પાંચ વર્ષ સુધી કેદની સજાની જોગવાઇ છે. કોકેન જેવા ક્લાસ એ માં સામેલ માદકદ્રવ્યો માટે સ્થળ પર જ અમર્યાદિત દંડ અથવા સાત વર્ષ સુધીની કેદ અથવા તો દંડ અને કેદ બંને સજાની જોગવાઇ છે. વારંવાર ડ્રગ્સ સાથે ઝડપાનાર બંધાણીનો પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરવાની જોગવાઇ નવા વ્હાઇટ પેપરમાં કરવામાં આવી છે.
માદકદ્રવ્યો જીવનો જોખમમાં મૂકે છે, અપરાધ વધારે છે – પ્રીતિ પટેલ
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે, માદકદ્રવ્યો જીવનો જોખમમાં મૂકે છે અને ગંભીર હિંસક અપરાધોમાં વધારો કરે છે. તેના કારણે યુવાપેઢી બરબાદ થાય. અમે માદકદ્રવ્યોના દુષણ સામે આકરી કાર્યવાહી કરી રહ્યાં છીએ. માદકદ્રવ્યોના બંધાણીઓને પ્રતિબંધો, દંડ, રિહેબિલિટેશન કોર્ષ સહિત જેલની સજા દ્વારા સુધારવાના પ્રયાસો અમે કરી રહ્યાં છીએ. નવા નિયમો દ્વારા અમે જાહેર જનતાને ડ્રગના દુષણ અને હિંસાના નુકસાનથી સંરક્ષણ આપવા અમે વ્યૂહરચના તૈયાર કરી છે.


