બ્રિટનમાં જન્મેલાં બાળકોને પણ બ્રિટિશ નાગરિકત્વની ભલામણ

Tuesday 29th December 2020 01:54 EST
 
 

લંડનઃ બ્રિટિશ સિટિઝનશિપ મુદ્દે સ્વતંત્ર ઈન્ક્વાયરી ટીમે એપ્લિકેશન ફી ઘટાડવા, મહત્ત્વના સ્થળોએ નાગરિકતા સમારંભો યોજવા તેમજ બ્રિટનમાં જન્મેલા બાળકોને જન્મના અધિકારથી બ્રિટિશ હોવાની પરવાનગી આપવાની હિમાયત કરી છે.

આઠ બ્રિટિશ નાગરિકતા બાબતે સભ્યોની ઈન્ડિપેન્ડન્ટ ઈન્ક્વાયરી ટીમના રિપોર્ટમાં જણાવાયું છે કે નાગરિકતા માટે અરજી કરવામાં સંકળાયેલા ખર્ચા અસામાન્યપણે ઊંચા છે અને કોવિડ -૧૯ મહામારી દરમિયાન અનન્ય યોગદાન આપનારા ફ્રન્ટલાઈન ચાવીરુપ વર્કર્સની પહોંચની બહાર છે.  ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ અને યુએસને સંયુક્ત ગણીએ તો પણ બ્રિટિશ નાગરિકત્વ અરજીનો ખર્ચ વધી જાય છે. પરિવારોએ ખાસ કરીને રજિસ્ટ્રેશન અને વકીલોની ફીના ખર્ચા માટે કેટલાક હજાર પાઉન્ડ ચૂકવવા પડે છે.

રિપોર્ટ જણાવે છે કે બ્રિટિશ નાગરિક બનવું એવી બાબત છે જેના વિશે આપણે ગર્વ અનુભવી શકીએ અને નાગરિકતા સમારંભો યોજવા માટે પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર, એડિનબરા કેસલ અને માન્ચેસ્ટર યુનાઈટેડના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમ જેવાં મહત્ત્વના સ્થળોની પસંદગી કરવાની ભલામણ પણ કરી હતી. તેમાં એમ પણ જણાવાયું છે કે ક્વીન અને વડા પ્રધાને હાઈ પ્રોફાઈલ વાર્ષિક સમારંભ યોજવો જોઈએ જેમાં, ‘વિશિષ્ટ યોગદાન’ આપનારાઓને માનદ્ નાગરિકતા અપાય અને આવા સંભવિત નાગરિકોમાં ઓક્સફર્ડ વેક્સિનના સંશોધક વિજ્ઞાનીઓને સમાવી શકાય.

આ ઈન્ક્વાયરીના ચેરમેન અને સાઉથ લેસ્ટરશાયરના કન્ઝર્વેટિવ સાંસદ આલ્બર્ટો કોસ્ટાએ કહ્યું હતું કે, ‘જે લોકો નાગરિકતા મેળવવા ઈચ્છતા હોય તેમને આપણે પ્રોત્સાહિત કરવા જોઈએ અને લોકો જ્યારે બ્રિટિશ બનવા નિર્ણય કરે ત્યારે તેની ઉજવણી પણ કરવી જોઈએ. અન્ય દેશો આવી સમાન કડીની ઉજવણી કરે છે પરંતુ, આપણે કાઉન્સિલની ઓફિસોમાં સમારંભોને છુપાવીએ છીએ. આ બદલવાની જરુર છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter