બ્રિટનમાં ત્રણ સંતાનનું ભરણપોષણ મધ્યમ વર્ગ માટે અશક્ય

Wednesday 09th May 2018 11:22 EDT
 
 

લંડનઃ બ્રિટિશ શાહી પરિવારના પ્રિન્સ વિલિયમની પત્ની કેટ મિડલટને ૨૩ એપ્રિલને સોમવારે પુત્રને જન્મ આપ્યો છે, જે આ શાહી યુગલનું ત્રીજું સંતાન છે. હકીકતમાં ત્રણ સંતાનોનું ભરણપોષણ બ્રિટનમાં માત્ર રોયલ ફેમિલી જ કરી શકે છે. તેનું કારણ સતત મોંઘું થતું ભરણ-પોષણ છે. બ્રિટનમાં એક સંતાનના જન્મથી લઈને ૨૧ વર્ષની વય સુધીના ભરણ-પોષણનો સરેરાશ ખર્ચ ૨૫૧,૪૭૨ પાઉન્ડછે. તેમાં બાળકોની પાયાની જરૂરિયાતો, ભોજન, જીવનપદ્ધતિ, સ્કૂલિંગ જેવા ખર્ચનો સમાવેશ થાય છે.

આ રકમમાં સંતાનોના યુનિવર્સિટી એજ્યુકેશનના ખર્ચનો તો સમાવેશ જ કરાયો નથી. આ દ્રષ્ટિએ ત્રણ સંતાનોના ભરણ-પોષણનો ખર્ચ અંદાજે .૫૪ લાખ પાઉન્ડ થયો. તેનાથી વિપરીત બ્રિટનના એક મધ્યમ વર્ગના પરિવારની સરેરાશ આવક જ વાર્ષિક અંદાજે ૩૨,૮૦૦ પાઉન્ડ છે. સ્પષ્ટ છે કે ત્રણ સંતાનોના ભરણ-પોષણનો ભારે-ભરખમ ખર્ચ મધ્યમ વર્ગની પહોંચની બહાર જઈ ચૂક્યો છે.

શાહી પરિવારમાં ત્રીજું સંતાન આવ્યા બાદ બ્રિટનના સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચ (સીઈબીઆર)એ સામાન્ય બ્રિટનવાસી માટે ત્રણ સંતાનોનું ભરણ-પોષણ શક્ય છે કે કેમ તેના વિશે સર્વે હાથ ધર્યો હતો. આ સરવેમાં આ પરિણામ સામે આવ્યું છે. સરવેમાં એ પણ પરિણામ આવ્યું કે બ્રિટનવાસીને સામાન્ય રીતે એક ઘર ખરીદવા માટે પણ ૪ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવો પડે છે. ઘર બનાવવા અને બાળકોના અભ્યાસની આ મોંઘી જરૂરિયાતોને એક સાથે પૂરી કરવી હવે શાહી પરિવારની પહોંચની જ વાત છે, તેથી વિલિયમ-કેટને ત્રીજું સંતાન થવા અંગે આશ્ચર્ય થવું જોઈએ નહીં.

સીઈબીઆર મુજબ - સંતાનોનું ભરણ-પોષણ એટલું મોંઘું થઈ ગયું છે કે ૨૧ ટકા બ્રિટિશ યુગલ આ કારણને લીધે એકથી વધુ સંતાનોનું પ્લાનિંગ કરતા ખચકાય છે. ૨૦૧૭માં સરકારે ત્રણ બાળકોવાળા પરિવારને અપાતી સબસિડી પણ બંધ કરી દીધી હતી.

ત્રણ સંતાનોના ભરણ-પોષણનો સરેરાશ ખર્ચ ૬.૬ કરોડ રૂ., મધ્યમ વર્ગની વાર્ષિક આવક રૂ. ૩૦ લાખ જ છે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter