લંડનઃ નાની વયે લગ્ન કરવા ગેરકાયદે પ્રેક્ટિસ હોવાં છતાં બ્રિટનમાં દર વર્ષે સેંકડો બાળવધૂ જોવા મળે છે અને ઘણા સત્તાવાળા આ હકીકત અંગે આંખ આડા કાન કરે છે. દર વર્ષે ક્લાસરૂમમાંથી દૂર કરાતી અને બળજબરીથી ગેરકાયદે લગ્નોમાં ધકેલાતી સેંકડો છોકરીઓને બચાવવામાં પ્રોફેશનલ્સ દરેક સ્તરે નિષ્ફળ જાય છે. બળજબરીથી કરાવાયેલા લગ્નનો શિકાર બનેલી જસવિન્દર સાંઘેરાએ પીડિતાઓના રક્ષણ માટે કર્મ નિર્વાણ ચેરિટીની સ્થાપના પણ કરેલી છે.
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં જૂન ૨૦૧૪થી ગેરકાયદે ઠરાવાયેલી આ પદ્ધતિ અંગે જાગૃતિ ફેલાવવા કેમ્પેઈનર્સના એક દાયકાના પ્રયાસો છતાં બ્રિટનની બાળવધૂઓનું કૌભાંડ ગુપ્તપણે ચાલતું જ રહ્યું છે. સન્ડે ટાઈમ્સની તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો જાણવા મળી છેઃ • લર્નિંગ ડિફિકલ્ટીઝ ધરાવતી છ વર્ષની બાળાના લગ્ન પાકિસ્તાનમાં એક વૃદ્ધ વ્યક્તિ સાથે કરાવી દેવાયાં હતાં • બળજબરીથી કરાવાતાં લગ્નોના પરિણામે ૧૪ વર્ષની કાચી વયે છોકરીઓ સગર્ભા બને છે • લંડનની નવ વર્ષની છોકરીને તેનાથી બમણી ઉંમરના કઝીન સાથે અફઘાનિસ્તાનમાં થનારા લગ્નને અટકાવવા કોર્ટના આદેશની જરૂર પડી હતી • બર્મિંગહામ, માન્ચેસ્ટર, લૂટન, નોટિંગહામ અને લેસ્ટરની મસ્જિદો અથવા લિવિંગ રૂમ્સમાં ૧૪-૧૭ વર્ષની કિશોરીઓનાં લગ્ન મોટી વયના પુરુષો સાથે કરાવાયા હતાં • ૧૧ વર્ષની છોકરીના લગ્ન બાંગલાદેશના ૨૦ વર્ષીય યુવક સાથે કરાવી તેને ત્યાં રહેવા દેવાયાં પછી કોર્ટના આદેશથી યુકેમાં પાછી લાવી શકાઈ હતી.
મોટા ભાગના કેસમાં નાની છોકરીઓ સંકળાયેલી છે ત્યારે સંખ્યાબંધ છોકરાઓના લગ્ન પણ બળજબરીથી કરાવવાની ઘટના વધી રહી છે. આશરે ૨૫ ટકા કેસમાં બન્ને પાર્ટી યુકેની રહેવાસી હોય છે. બળજબરીથી કરાવાતા લગ્નો અંગે ચાઈલ્ડલાઈન ચેરિટીને કરાતાં કોલ્સની સંખ્યામાં ૩૦ ટકા વધારો થયો છે. અડધા ભાગના કોલર્સ ૧૫ અથવા તેથી ઓછી ઉંમરના હતા. કર્મ નિર્વાણ ચેરિટીની હેલ્પલાઈને ત્રણ વર્ષમાં ૫-૧૭ વયજૂથના બાળકોને સાંકળતા ૧,૦૦૦થી વધુ કોલ્સ અંગે કામગીરી બજાવી છે.


