બ્રિટનમાં ડોન દાઉદ ઇબ્રાહીમની ૬.૭ બિલિયન ડોલરની સંપત્તિ જપ્ત

Thursday 14th September 2017 05:24 EDT
 
 

લંડનઃ મુંબઇના ૧૯૯૩ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય અને મોસ્ટ વોન્ટેડ આરોપી દાઉદ ઇબ્રાહીમ ફરતેનો ગાળિયો મજબૂત કસવામાં ભારતને મોટી સફળતા સાંપડી છે. ભારત દ્વારા રજૂ થયેલા વિવિધ દસ્તાવેજો અને પુરાવાઓને ધ્યાને લઇને બ્રિટન સરકારે માફિયા ડોન દાઉદની રૂ. ૪૨,૮૮૩ કરોડની એટલે કે ૬.૭ બિલિયન ડોલરની સંપત્તિ જપ્ત કરી છે. બ્રિટિશ સરકારનું દાઉદ ઇબ્રાહીમ સામેનું આ મોટું અને મહત્ત્વનું પગલું છે. યુકેમાં દાઉદ જુદાં જુદાં ૨૧ નામથી સંપત્તિ ધરાવતો હોવાનો ચોંકાવનારો અહેવાલ આવ્યા પછી ભારતની વિદેશનીતિ અને કૂટનીતિને દાઉદને સકંજામાં લેવામાં સફળતા મળી છે.
એક સ્થાનિક અખબાર ‘બર્મિંગગહામ મેઇલ’માં દાઉદની સંપત્તિ અંગેના અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. દાઉદ બ્રિટનમાં હોટેલ, કેટલાંક મકાન ઉપરાંત કરોડો રૂપિયાની જમીન ધરાવે છે, જેનું મૂલ્ય રૂ. ૪૨,૮૮૩ કરોડ હોવાનું માનવામાં આવે છે. દાઉદ વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો ક્રિમિનલ છે. આ અગાઉ યુએઈમાં તેની ૧૫,૦૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

બ્રિટનમાં ક્યાં ક્યાં છે પ્રોપર્ટી?

બ્રિટનનાં વોર્વિકશાયરમાં દાઉદ ઇબ્રાહીમની માલિકીની એક હોટેલ છે જ્યારે મિડલેન્ડમાં તેની રહેણાંક માટેની પ્રોપર્ટી છે. દાઉદ લંડનમાં જે પ્રોપર્ટી ધરાવે છે તેમાં સેન્ટ જોન વૂડ રોડ, હોર્ન ચર્ચ, એસેક્સ, રિચમન્ડ રોડ, ટોમ્સવૂડ રોડ, ચિગવેલ, રો હેમ્પટન હાઈ સ્ટ્રીટ, લાન્સલોટ રોડ, થોર્ટન રોડ, સ્પાઇટલ સ્ટ્રીટ ખાતેનાં મકાનો અને ડાર્ટફર ખાતે વિશાળ રહેઠાણ કોમ્પ્લેક્સ તેમજ કોર્મિશયલ બિલ્ડિંગનો સમાવેશ થાય છે.

૨૧ બનાવટી નામે સંપત્તિ

દાઉદ ઇબ્રાહીમે બ્રિટનમાં ૨૧ બોગસ નામનો ઉપયોગ કરીને સંપત્તિ ખરીદી છે. દાઉદે જે નામે સંપત્તિ ખરીદી છે તે ૨૧ નામોમાં અબ્દુલ શેખ ઇસ્માઇલ, અબ્દુલ અઝીઝ, અબ્દુલ હમીદ, અબ્દુલ રહેમાન, શેખ મોહમ્મદ ઇસ્માઇલ, અનિસ ઇબ્રાહીમ, શેખ મોહમ્મદભાઈ, બડાભાઈ, દાઉદભાઈ, ઇકબાલ, દિલીપ, અઝીઝ ઇબ્રાહીમ, દાઉદ ફારૂકી, અનીસ ઇબ્રાહીમ, હસન શેખ, દૌદ હસન, શેખ ઇબ્રાહીમ કાસકર, દાઉદ હસન, ઈબ્રાહીમ મેમણ, સાબરી દાઉદ, સાહબ હાજી અને બડા શેઠ નામ સામેલ છે.

દાઉદ ઇબ્રાહીમની કરમકુંડળી

યુકેના ટ્રેઝરી વિભાગ દ્વારા ગયા મહિને એક લિસ્ટ જાહેર કરાયું હતું, જેમાં દાઉદનાં પાકિસ્તાનમાં ત્રણ સરનામાં જણાવાયાં હતાં. હાલ તે પાકિસ્તાનનાં કરાચીમાં જ રહેતો હોવાના અહેવાલો છે. દાઉદનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના ખેર નામનાં ગામમાં થયો છે. તેની નાગરિકતા ભારતીય જણાવાઈ છે અને ભારતનો પાસપોર્ટ ધરાવતો હોવાનું દર્શાવાયું છે. જોકે ભારત સરકારે આ પાસપોર્ટ રદ કર્યો છે. પાકિસ્તાનમાંથી બે-ત્રણ જુદાં જુદાં નામે તેણે પાસપોર્ટ કઢાવ્યા છે.

મોદીના લંડનપ્રવાસમાં પૂર્વભૂમિકા

ભારતના વડા પ્રધાન મોદી ગયા વર્ષે યુએઈ અને તે પછી લંડન પ્રવાસે ગયા ત્યારે દાઉદને સાણસામાં લેવાની પૂર્વભૂમિકા બાંધવામાં આવી હતી. દાઉદને વૈશ્વિક આતંકી જાહેર કરાયા પછી આખા વિશ્વમાં તેના તમામ બિઝનેસ અને સંપત્તિને જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભારત સરકારે કેટલાક દેશોને દાઉદની સંપત્તિ અંગે નક્કર પુરાવાઓ સાથે માહિતી આપી હતી. બ્રિટન સહિતના દેશોએ હવે આ પુરાવાને આધારે જ દાઉદની સંપત્તિ સામે કાર્યવાહી હાથ ધરીને તેનું નેટવર્ક તોડી પાડવા સક્રિય થયા છે.

દાઉદના મદદગારો ભીંસમાં આવશે

દાઉદની બેનામી કમાણીના મોટા ભાગના નાણાં બ્રિટન, દુબઈ અને ભારતમાં જ રોકવામાં આવ્યા છે. અહેવાલમાં ભારત સરકારને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે દાઉદને પકડવા માટે ઘણા સમયથી કોશિશ કરાઈ રહી છે. હવે દાઉદની સંપત્તિ જપ્ત કરીને તેને બચાવનારાઓને ભીંસમાં લેવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter