લંડન
બ્રિટન દાયકાની સૌથી ભયાનક ફ્લૂ સીઝનનો સામનો કરી રહ્યો છે. તેના કારણે એમ્બ્યુલન્સ અને ઇમર્જન્સી સેવાઓ પર ભારે દબાણ સર્જાયું છે અને સેંકડો મોત નોંધાઇ રહ્યાં છે. 1 જાન્યુઆરીના સપ્તાહમાં ફ્લૂની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીઓની સંખ્યા દર એક લાખે 8.3 હતી. તેની અગાઉના સપ્તાહમાં આ સંખ્યા દર એક લાખની વસતીએ 14.5 હતી જે છેલ્લા એક દાયકાની સૌથી ઊંચી સંખ્યા હતી. છેલ્લા ચાર શિયાળાની સરખામણીમાં આ શિયાળામાં હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીઓની સંખ્યા 50 ટકા વધુ રહી હતી.
આ શિયાળામાં ફ્લૂના કારણે વૃદ્ધોની સ્થિતિ ઘણી ખરાબ રહી છે. 85 વર્ષના વૃદ્ધોની વાત કરીએ તો દર એક લાખે 62 વૃદ્ધને ફ્લૂની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. 74થી 84 વર્ષના વૃદ્ધોની વાત કરીએ તો આ સંખ્યા દર એક લાખે 32ની રહી છે.
2011માં સ્વાઇન ફલૂનો રોગચાળો ફેલાયા બાદ બ્રિટન આ વર્ષે સૌથી ઘાતકી સીઝનનો સામનો કરી રહ્યો છે. ફ્લૂના આ રોગચાળાને કારણે થતા સાપ્તાહિક મોતની સંખ્યા છેલ્લા બે વર્ષની ટોચે પહોંચી છે. 23 ડિસેમ્બર પછીના બે સપ્તાહમાં ફ્લૂના કારણે 14530 લોકોના મોત થઇ ચૂક્યાં છે.
બીજીતરફ કોરોનાના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. મધ્ય ડિસેમ્બરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો હતો.


