લંડનઃ ભારતમાં વિવાદાસ્પદ બનેલી ફિલ્મ ધ કેરાલા સ્ટોરીને સિનેમા વેબસાઇટ પરથી હટાવીને ટિકિટ ખરીદનારાઓને રિફંડ આપી દેવાતાં ભારતીય સમુદાયના લોકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. કારણ આપવામાં આવ્યું છે કે ફિલ્મને હજુ બ્રિટિશ બોર્ડ ઓફ ક્લાસિફિકેશનનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું નથી.
ધ કેરાલા સ્ટોરી 12મી મેના રોજ યુકે અને નોર્ધન આયર્લેન્ડના 31 સિનેમાઘરોમાં રજૂ થવાની હતી પરંતુ શુક્રવારે તમામ સિનેમાઘરે તેમની વેબસાઇટ પરથી ટિકિટનું વેચાણ બંધ કરી દીધું હતું અને તમામ શો રદ કરી દેવાયાં હતાં.
સિનેમાઘરો દ્વારા ટિકિટ ખરીદનારાઓને એક ઇ-મેલ સંદેશો મોકલાયો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, બીબીએફસી દ્વારા ફિલ્મને એજ સર્ટિફિકેટ જારી ન કરાયું હોવાના કારણે અમે તમારું બુકિંગ રદ કરીએ છીએ અને તમને ફૂલ રિફંડ આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે. તમને પડેલી અગવડ માટે અમને ખેદ છે.
બ્રિટિશ બોર્ડ ઓફ ક્લાસિફિકેશને જણાવ્યું હતું કે, ધ કેરાલા સ્ટોરી ફિલ્મની ક્લાસિફિકેશન પ્રોસેસ હજુ ચાલી રહી છે. એકવાક ફિલ્મને એજ રેટિંગ અને કન્ટેન્ટ એડવાઇઝ જારી કરાયા બાદ આ ફિલ્મને યુકેના સિનેમાગૃહોમાં પ્રસારિત કરી શકાશે.
આના વિરોધમાં સંખ્યાબંધ ભારતીયોએ સોશિયલ મીડિયા પર રોષ વ્યક્ત કર્યો હતો. કપિલ દુદકિયાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, શું બીબીએફસી કટ્ટરવાદીઓને ખુશ કરવાના ભાગરૂપે ફિલ્મને પ્રમાણપત્ર જારી કરવામાં વિલંબ કરી રહ્યું છે?
બ્રિટિશ ફિલ્મ બોર્ડ સ્પષ્ટતા કરેઃ હિન્દુ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન ગ્રુપ
હિન્દુ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન ગ્રુપે ધ કેરાલા ફાઇલ્સને પ્રમાણપત્ર ન આપવા માટે બ્રિટિશ ફિલ્મ બોર્ડને પત્ર લખી સ્પષ્ટતા માગી છે. સંગઠનના કન્વીનરે પત્રમાં જણાવ્યું છે કે ફિલ્મને પ્રમાણપત્ર ન આપવા માટેના કારણો જાણવાનો જનતાને અધિકાર છે.


