લંડનઃ બ્રિટનમાં નકલી ડીગ્રીઓ વેચનારી ૪૦ વેબસાઇટ બંધ કરી દેવાઈ છે. આ વેબસાઈટ્સ ચીન સહિત અનેક દેશોમાં બ્રિટનની અસલી કે નકલી યુનિવર્સિટીઓની નકલી ડીગ્રીઓ વેચી રહી હતી. તેમાંની અનેક વેબસાઇટ્સ બ્રિટનની અસલી યુનિવર્સિટીઓની આબેહૂબ નકલ હતી. તેના કારણે વિદ્યાર્થીઓની કારકિર્દીની સાથે ચેડાં થતાં હોવાનું પણ સત્તાધીશોએ જણાવ્યું હતું. આવી ભળતી વેબસાઇટ જોઈને વિદેશી વિદ્યાર્થીઓ અને અસલી માની બેસતાં હતાં. આ અસલી યુનિવર્સિટીઓના નામ તથા લોગો પણ ઉપયોગમાં લેવામાં આવતાં હતાં. કેટલીક સાઇટ ઉપર ઓનલાઇન કે ડિસ્ટન્સ એજ્યુકેશનના નામે ડીગ્રી આપવામાં આવતી હતી. બ્રિટનમાં ઉચ્ચ શિક્ષણની તપાસ માટે બનેલી એજન્સી હાયર એજ્યુકેશન ડીગ્રી ડેટાબેન્કે આવી ૯૦ બોગસ સંસ્થાઓ ઝડપી લીધી છે.
આ અગાઉ બીબીસી સાઉથ ઇસ્ટને તપાસમાં ખ્યાલ આવ્યો હતો કે કેન્ટ યુનિવર્સિટીની નકલી ડીગ્રી ચીનમાં આશરે ૫૦૦ પાઉન્ડમાં વેચાઈ રહી છે. નકલી યુનિવર્સિટીઓના નામ તરીકે સ્ટેફર્ડ યુનિવર્સિટી, સરે યુનિવર્સિટી, વોલ્કરહેમ્ટન યુનિવર્સિટી, સેલફર્ડ યુનિવર્સિટી, એન્ગલિયા રસ્કિન યુનિવર્સિટી અને માન્ચેસ્ટર યુનિવર્સિટીનો ઉપયોગ કરાયો હોવાનું કહેવાય છે.

