લંડન: કોવિડ રોગચાળા પછી પ્રથમ વખત બ્રિટનમાં નેટ માઈગ્રેશન 2 લાખથી નીચે પહોંચી ગયું છે. સત્તાવાર આંકડા અનુસાર વિદેશથી નોકરી અર્થે આવતા લોકોની સંખ્યામાં થયેલા તીવ્ર ઘટાડાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા દર્શાવે છે કે ડિસેમ્બર 2025 ના રોજ પૂરા થયેલા વર્ષમાં અંદાજિત નેટ માઈગ્રેશન 1,71,000 રહ્યું હતું. તેના અગાઉના વર્ષે આ આંકડો સુધારેલા અંદાજ મુજબ 3,31,000 હતો.
માઈગ્રેશનમાં આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ બિન-યુરોપીયન યુનિયન દેશોમાંથી નોકરી અર્થે બ્રિટન આવતા લોકોની સંખ્યામાં થયેલો 47 ટકાનો જંગી ઘટાડો છે.
યુકે સરકાર દ્વારા તાજેતરમાં ઇમિગ્રેશનના નિયમો વધુ કડક કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત સ્કિલ્ડ વર્કર વિઝા માટે લઘુત્તમ પગારની મર્યાદા વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત ભૂતકાળમાં વિદેશી કેર વર્કર્સને સરળતાથી એન્ટ્રી આપતા વિઝા રૂટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. સરકારી કડકાઈની સાથે સાથે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બ્રિટનમાં જ રોકાતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે, જેના લીધે એકંદર માઈગ્રેશન આંકડો નીચો આવ્યો છે.
નેટ માઇગ્રેશનમાં 82% નો ઐતિહાસિક ઘટાડો
પોતાના દેશમાં પરત ફરનારા લોકોની સંખ્યામાં થયેલા મોટા વધારાને કારણે બ્રિટનનું નેટ માઇગ્રેશન વર્ષ 2024ના 3,31,000 થી ઘટીને વર્ષ 2025માં 1,71,000 થઈ ગયું છે. માર્ચ 2023માં નેટ માઇગ્રેશન 9,44,000 ની સર્વોચ્ચ સપાટીએ હતું, જેની સરખામણીએ હવે તેમાં 82% નો જંગી ઘટાડો નોંધાયો છે. આ આંકડા દર્શાવે છે કે પૂર્વ કન્ઝર્વેટિવ વડાપ્રધાન રિશી સુનાક દ્વારા લાગુ કરાયેલા અને ત્યારબાદ સ્ટાર્મરની વર્તમાન લેબર સરકાર દ્વારા ચાલુ રખાયેલા કડક વિઝા નિયમોની વ્યાપક અસર થઈ છે.

