લંડન
બ્રિટનમાં પહેલીવાર કોરોનાના કારણે ફેફસાને થયેલા નુકસાનથી પીડાતા દર્દીના ફેફસાનું પહેલીવાર સફળ પ્રત્યારોપણ કરાયું છે. 50 વર્ષીય સિઝર ફ્રાન્કો ક્રિસમસ 2021 પહેલાં કોરોનાગ્રસ્ત થયા હતા. કોરોનાના કારણે સ્થિતિ વકરતા તેમને લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરાયા હતા. થોડા જ દિવસમાં તેમને શ્વાસ લેવામાં તકલીફ જણાતા વેન્ટિલેટર પર મૂકાયા હતા. ફ્રાન્કો કોવિડ ન્યુમોનિટિસનો ભોગ બન્યા હતા જેમાં લન્ગ ફાઇબ્રોસિસ સર્જાય છે. જેના કારણે તેઓ સ્વતંત્ર રીતે શ્વાસ લઇ શક્તા નહોતા.
સેન્ટ થોમસ હોસ્પિટલના આઇસીયુમાં પાંચ મહિના સારવાર અપાયા બાદ ફ્રાન્કોને હેરફિલ્ડ હોસ્પિટલ ખાતે ખસેડાયાં હતાં. અહીં તેમના બંને ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરાયાં હતાં. બ્રિટનમાં પહેલીવાર આ રીતે કોરોનાગ્રસ્ત દર્દીના બંને ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરાયાં છે.
લન્ગ ટ્રાન્સપ્લાન્ટ કરાયાના બે મહિના બાદ સિઝર ફ્રાન્કોને તાજેતરમાં જ હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. હવે તેઓ તેમના પરિવાર સાથે સમય વીતાવી રહ્યાં છે. સર્જન પ્રોફેસર ડનિંગે જણાવ્યું હતું કે, ટ્રાન્સપ્લાન્ટ માટે ફેફસાં મેળવવામાં સિઝર નસીબદાર રહ્યા હતા. કોરોના મહામારીનો પ્રારંભ થયા પછી અંગદાન કરનારા લોકોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. ટ્રાન્સપ્લાન્ટ માટે રાહ જોઇ રહેલા દર્દીઓ અંગો ઉપલબ્ધ ન થવાના કારણે મોતને ભેટી રહ્યાં છે.


