બ્રિટનમાં પહેલીવાર ખાલિસ્તાની ફંડિંગ પર પ્રતિબંધ, 50 ખાતાં સ્થગિત કરાયાં

સ્થગિત ખાતાઓમાં રૂપિયા 30 હજાર કરોડથી વધુની રકમ જમા

Tuesday 07th November 2023 12:46 EST
 
 

લંડનઃ બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાકે રચેલી ટાસ્ક ફોર્સે ખાલિસ્તાની ફંડિંગ મુદ્દે મહત્ત્વની કાર્યવાહી કરી છે. પ્રથમવાર ખાલિસ્તાનીઓને ભંડોળ પુરું પાડનારા 50થી વધુ બેન્ક ખાતા ફ્રિઝ કરી દેવાયાં છે. આ તમામ ખાતાં ભારતમાં પ્રતિબંધિત બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે સંકળાયેલા છે. ટાસ્ક ફોર્સે ખાલિસ્તાન સાથે સંકળાયેલા અને બનાવટી નામ ધરાવતા સંગઠનોની યાદી પણ તૈયાર કરી છે. ટાસ્ક ફોર્સે સૌપ્રથમ બ્રિટિશ બૅન્કોમાં ખાલિસ્તાની નેતાઓ અને તેના સમર્થકોનાં ખાતાંનું વૉચ લિસ્ટ તૈયાર કર્યું હતું.પછીથી એ ખાતાંમાં વિદેશોમાંથી ઓનલાઇન અને બ્રિટનમાં ઓફલાઇન જમા થનારા 1 લાખ રૂપિયા કે 1000 પાઉન્ડથી વધુની લેવડદેવડ પર નજર રાખી હતી. આ ખાતાંમાં 30 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ જમા હોવાનું જણાવાઈ રહ્યું છે. બ્રિટનમાં ખાલિસ્તાનના નામે જાહેર સ્થળોએ કલેક્શન બોક્સ ઉપર પણ પ્રતિબંધ લદાશે. છેલ્લા કેટલાંક વર્ષોથી બ્રિટનમાં ધાર્મિક અને જાહેર સ્થળો ખાતે દાન માટે કલેક્શન બોક્સ મૂકવામાં આવે છે.  

શિખોના અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાનું સન્માન થવું જોઇએઃ સાંસદ ગિલ

બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં જ્યુરી તરીકે આવેલા શિખને કિરપાણ સાથે પ્રવેશ આપવાનો સુરક્ષા અધિકારી દ્વારા ઇનકાર કરાતાં બર્મિંગહામના સાંસદ પ્રીત કૌર ગિલે જસ્ટિસ સેક્રેટરીને પત્ર લખીને ઉગ્ર રજૂઆત કરી હતી. ગિલે જણાવ્યું હતું કે, શિખ સમુદાયના અધિકારો અને ધાર્મિક સ્વતંત્રતાનું સન્માન અને રક્ષણ થવું જોઇએ. દરેક વ્યક્તિને તેની નાગરિક ફરજો કોઇપણ પ્રકારના પક્ષપાત વિના નિભાવવા દેવી જોઇએ. અમૃતધારી શિખો ધર્મના ભાગરૂપે કિરપાણ પોતાની સાથે રાખતા હોય છે. જેને ક્રિમિનલ જસ્ટિસ એક્ટ 1988 અંતર્ગત માન્યતા પણ મળેલી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter