બ્રિટનમાં પહેલીવાર જોડિયા બાળકોના પિતા અલગ હોવાનો કિસ્સો નોંધાયો

બે અલગ અલગ પુરુષ દ્વારા સ્ત્રીબીજ ફલિત થવાની વિરલ ઘટના

Tuesday 05th May 2026 11:20 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં તબીબી ઇતિહાસનો એક અત્યંત દુર્લભ અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુનાઇટેડ કિંગડમમાં પ્રથમ વખત એવું નોંધાયું છે કે એકસાથે જન્મેલા જોડિયા બાળકોના પિતા અલગ-અલગ છે. મિશેલ અને લેવિનિયા ઓસ્બોર્ન તરીકે ઓળખાતી આ બહેનોના ડીએનએ રિપોર્ટમાં આ ચોંકાવનારી વિગતો સામે આવી છે.

સામાન્ય રીતે જોડિયા બાળકો એક જ પિતાના સંતાન હોય છે પરંતુ આ કિસ્સો સુપરફેકન્ડેશન તરીકે ઓળખાતી અત્યંત વિરલ જૈવિક પ્રક્રિયાનું પરિણામ છે. જ્યારે કોઈ સ્ત્રીના એક જ માસિક ચક્ર દરમિયાન બે અલગ-અલગ અંડકોષો રિલીઝ થાય અને તે બંને ટૂંકા સમયગાળામાં બે અલગ-અલગ પુરુષોના શુક્રાણુઓ દ્વારા ફલિત થાય ત્યારે આવા જોડિયા બાળકોનો જન્મ થાય છે.

ટેસ્ટિંગ બાદ જાણવા મળ્યું કે આ બહેનો ટ્વિન્સ હોવા છતાં ટેકનિકલી હાફ-સિબલિંગ્સ છે કારણ કે તેમની માતા એક જ છે પરંતુ પિતા અલગ અલગ છે. વિશ્વભરમાં આવા કિસ્સાઓ આંગળીના વેઢે ગણાય તેટલા જ જોવા મળે છે. આ અસાધારણ ખુલાસાએ તબીબી જગત અને સામાન્ય જનતામાં કુતૂહલ જગાડ્યું છે, જે માનવ પ્રજનન ક્ષમતાની જટિલતાઓને ફરી એકવાર રેખાંકિત કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter